સમુદ્રમાં તોફાની લહેરો વચ્ચે ઝઝુમી મોતને પણ માત આપનારા સાગર પુત્રો સાથે રાજ્ય સરકાર દ્વારા હળાહળ અન્યાય કરવામાં આવ્યો છે. દેશના અન્ય રાજ્યોમાં માછીમારોને ડિઝલ ઉપર સબસીડી પૂરી પાડવામાં આવે છે જ્યારે માત્ર ગુજરાતના જ માછીમારોને ડીઝલ ઉપર અપાતી સબસીડી બંધ કરાતા વલસાડ જિલ્લાની ૧૫૦૦થી વધુ બોટ દ્વારા મચ્છીમારી કરતા ૩૦ હજારથી વધુ માછીમારો આર્થિક રીતે પાયમાલ બન્યા છે.
બોટ માટે ડીઝલ મુખ્ય બળતણ હોવાથી દરિયા ખેડૂઓ માટે સૌથી વધુ ડીઝલનો ખર્ચ આર્થિક કમરતોડી નાંખે તેમ છે. બે વર્ષ અગાઉ માછીમારોને રાજ્ય સરકાર દ્વારા ડીઝલ પર ૫.૫ ટકા સબસીડી આપાતી હતી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી બંધ થતાંની સાથે માછલીના પોષણક્ષમ ભાવો પણ બજારમાં ન મળતાં અનેક માછીમારો દેવા તળે દબાયા છે.
રોજે રોજ ૨૦૦ લીટર ડીઝલ ક્યાંથી લાવવુ તે માછીમારો માટે યક્ષ પ્રશ્ન બન્યો છે. કેટલીકવાર સમુદ્રમાં પૂરતા પ્રમાણમાં માછલીઓ ન મળતાં ફેરો ફોગટ પણ જતો હોય છે. સબસીડી બંધ થઇ જતાં માછીમારોએ સમુદ્રમાં જવાનુ બંધ કરી શકે તેમ નથી કારણ કે તેમના ઉપર પોતાના પરિવારનું ભોરણપોષણની જવાબદારી હોવાથી તેને નિભાવવા માટે છેવટે માછીમારો વ્યાજે પૈસા લેતા હોય છે.
જેમાં વચેટીયા ગણાતા કમિશન એજન્ટો આ માછીમારોની મજબૂરીનો લાભ ઉઠાવી ધીરાણ કર્યા બાદ મસમોટી રકમ વ્યાજ પેટે પડાવી લેતાં હોય છે. જેના કારણે માછીમારોની હાલત કથળવા પામી છે. ડીઝલ મોંઘુ થતાં ખર્ચ વધવાને લઇ આ ધંધો મૃત:પાય થવાની દહેશત ઉભી થઇ છે. માછીમારો બેકારીના ખપ્પરમાં હોમાઇ રહ્યા છે. જો સરકાર જ અન્ય રાજ્યોની જેમ સબસીડી આપતી હોય તો સમસ્યા ટળી શકે તેમ છે.
મુંબઇના રહીશ બની સબસિડીનો લાભ મેળવે છે
માછીસમાજના અગ્રણી નારણ ટંડેલે કહયુ કે, ગુજરાત ગુજરાતમાં ડીઝલ પર સબસીડી મળતી ન હોવાથી વલસાડ જિલ્લાના બહુધા માછીમારો મુંબઇ તરફ મચ્છીમારી કરવા માટે જતાં હોય છે. મહારાષ્ટ્રમાં સબસીડી મળતી હોવાથી વલસાડના માછીમારો મુંબઇમાં મકાન ખરીદી ત્યાંના રહીશ બની રાશનકાર્ડ તેમજ અન્ય પૂરાવા મેળવી લેતાં હોય છે.
૨૦૦૮થી સબસિડી બંધ
માછીમારોને યાંત્રિકબોટ માટે ૧૯૮૪થી સબસીડી અપાતી હતી. પરંતુ ૨૦૦૮થી સબસીડી બંધ કરાઇ છે. ૭૪ હો.પા.ની યાંત્રિક બોટ ધરાવતા માત્ર બીપીએલ કાર્ડ ધારકોને સબસીડી અપાઇ છે. જિલ્લામાં ૨૧૯ લાયસન્સ ધારકો છે. એન.એફ. પટેલ, જો.સેક્રે. મત્સ્ય ઉદ્યોગ.