- પુત્રી કૌશિકાના લગ્ન માટે માતા બાધારૂપ હોવાનું અમદાવાદના ગુરૂએ જણાવતા પથારીવશ માતાને મોતને હવાલે કરી
- ગુરૂજીએ કહ્યું હતું કે, માતાના મૃત શરીરમાં બીજી આત્મા પ્રવેશશે એમ વિચારી ચાર દિવસ સુધી મૃતદેહ પાસે પિતા-પુત્રી બેસી રહ્યા
વલસાડના મોટા પારસીવાડ સ્થિત એક ધનાઢ્ય પરિવારના મકાનમાંથી ગુરૂવારની મોડી સાંજે મનુષ્યને બાળવાની તીવ્ર દુર્ગંધ આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી,પરંતુ મકાન માલિકે બિલાડી મરી ગઈ હોવાનું જણાવી પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા. તપાસ દરમ્યાન બળી ગયેલા હાડકા મકાન માલિકની પત્નીના હોવાનું જાણવા મળતા સનસનાટી મચી ગઈ હતી. જો કે આ ચકચારી કિસ્સામાં સિવિલ એન્જિનીયર પુત્રી અને પિતાએ અંધશ્રધ્ધાના વહેમમાં વૃદ્ધાના શરીરના ટૂકડા સળગાવી લાશનો નિકાલ કરવા જતા પોલીસ સકંજામાં ભેરવાઈ ગયા હતા.
વલસાડના મોટા પારસીવાડ ખાતે બે કૂવાની પાસે રહેતા અને વર્ષો અગાઉ અનાજ કરિયાણાની દુકાન ચલાવતા ૮૦ વર્ષીય મગન ઈશ્વરલાલ રાણાના મકાનની ટેરેસ ઉપર માણસ સળગવાની તીવ્ર દુર્ગંધ આવતા મહોલ્લાના રહીશોએ ગુરૂવારે સાંજે પોલીસને જાણ કરી હતી. પોલીસે શુક્રવારે આ કેસમાં મૃતક સવિતાબેનના પતિ મગનભાઈ અને પુત્રી કૌશિકાને અલગ અલગ રાખી પૂછપરછ કરતા તેઓએ ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, છેલ્લા ઘણા સમયથી સિવિલ એન્જિનીયર પુત્રી કૌશિકાના લગ્ન થતા ન હતા.
જેથી અમદાવાદ ખાતે રહેતા ગુરૂ નરેન્દ્રભાઈ દવેનો સંપર્ક કરતા તેમણે એવું જણાવ્યું હતું કે, જ્યાં સુધી માતા સવિતાબેનની કુદ્રષ્ટિ કૌશિકા ઉપર રહેશે ત્યાં સુધી તેના લગ્ન થશે નહિ. બે વર્ષ અગાઉ મહારાજે જણાવેલી આ વાત કૌશિકાના મગજમાં ઘર કરી ગઈ હતી. જેથી મા-દીકરી વચ્ચે અણબનાવ રહેતો હતો. દરમિયાન માતા સવિતાબેન બિમાર પડતા એક પગ પણ કોહવાઈ ગયો હતો.
પથારીવશ બનેલા સવિતાબેનની સેવા ચાકરી તેમના પતિ મગનભાઈ પોતે જ કરતા હતા. સવિતાબેનની તબિયત વધુ બગડતા તેની સારવાર કરાવવાની તસ્દી પણ મગનભાઈ અને પુત્રી કૌશિકાએ લીધી ન હતી. છેવટે ૨૯મી જાન્યુઆરીએ સવિતાબેને દમ તોડયો હતો, પરંતુ ગુરૂજી નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે, માતાના મૃત શરીરને જેમની તેમ હાલતમાં રહેવા દેજો, તેમનામાં બીજો જીવ આવશે અને સજીવન થશે. જેથી પાંચ દિવસ સુધી મૃતદેહને ઘરમાં રાખી સજીવન થવાની રાહ જોઈ રહ્યા હતા.
છેવટે લાશ સડી જતાં તેની તીવ્ર દુર્ગંધને પગલે લાશનો નિકાલ કરવા માટે મગનભાઈએ ગેરેજમાંથી મોટર સાયકલનું બળેલુ ઓઈલ લઈ આવી દીકરી કૌશિકાની મદદથી જે બેડ ઉપર સવિતાબેન મરણ પામ્યા હતા તે બેડ ઉપર જ ૨ ફેબ્રુઆરીએ સવારે નવ કલાકે લાશને સળગાવી દીધી હતી, પરંતુ શરીરના કેટલાક અંગો સંપૂર્ણપણે બળ્યા ન હતા. જેથી ખોપરી, પાસળી અને થાપાના ભાગને બે કોથળીમાં ભરી દાદરના નીચે સંતાડી દીધા હતા. પોલીસે શુક્રવારે બપોરે ૧૨:૩૦ કલાકે મગનભાઈને સાથે રાખી તેમના મકાનમાં તપાસ કરતા કોથળીમાં સંતાડેલા શરીરના અંગો પોલીસને બતાવ્યા હતા. પોલીસે એડી નોંધી અમદાવાદ પર તપાસ કેન્દ્રિત કરી છે.
પિતા-પુત્રીના નિવેદનોમાં વિરોધાભાસ જણાતા પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો
પોલીસ પૂછપરછમાં મગનભાઈ પાસેથી સંતોષકારક જવાબ ન મળતા પોલીસે મગનભાઈ અને તેમની પુત્રી કૌશિકાને અલગ અલગ રાખી પૂછપરછ કરી હતી. જેમાં મગનભાઈએ જણાવ્યું કે, ૨૬મી જાન્યુઆરીએ વડોદરા ખાતે રહેતી મોટી દીકરી સરોજ પોતાની માતા સવિતાબેનને બેસણામાં પોતાની સાથે લઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ કૌશિકાએ જણાવ્યું કે, પિતા મગનભાઈ માતાને મુકવા રેલવે સ્ટેશન ગયા હતા. જેના આધારે વલસાડ પોલીસે વડોદરા ડીસીબી પોલીસને જાણ કરી હતી.
જેથી પોલીસે વડોદરા ખાતે રહેતી દીકરી સરોજના ઘરે પહોંચી સવિતાબેન અંગે તપાસ કરતા દીકરી-જમાઈએ સવિતાબેન વડોદરા આવ્યા ન હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસની શંકા મજબૂત બનતા આકરી પૂછપરછ કરી હતી.જેથી મગનભાઈ અને કૌશિકા ભાંગી પડ્યા હતા. છેવટે બન્નેએ તમામ કબૂલાત કરી લીધી હતી.
કરોડપતિ પરિવારના મગનભાઈની ત્રણેય દીકરીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું
મોટા પારસીવાડના મગનભાઈ રાણાને આજુબાજુના લોકો સાથે બોલવા ચાલવાનો કોઈ વ્યવહાર ન હતો. પોતે જુની એસએસસી બોર્ડની પરીક્ષા પાસ કરી હોવાથી શિક્ષણનું મહત્વ જાણતા હતા. જેથી પોતાની ત્રણેય દીકરી દીપીકા, સરોજ અને કૌશિકાને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું. જેમાં દીપીકા એમએસસી થયા બાદ હાલ પોતાના પરિવાર સાથે અમેરિકા સ્થાયી છે. જ્યારે સરોજ બીએ સુધી અભ્યાસ કરી પરિવાર સાથે વડોદરા સ્થાયી થઈ હતી. સિવિલ એન્જિનીયર કૌશિકાના લગ્ન થયા ન હતા. લગ્નના મુદ્દે માતા સવિતાબેન અવરોધરૂપ હોવાનું અમદાવાદના નરેન્દ્ર ગુરૂજીએ જણાવતા અંધશ્રધ્ધામાં આવી ગયેલી એન્જિનિયર દીકરી પોતાની જનેતાને જ પોતાની દુશ્મન ગણવા લાગી હતી.
કૌશિકાએ પોલીસને કહ્યું મને ફાંસીએ લટકાવી દો
વલસાડ સિટી પોલીસે ગુરૂવારે મોડી રાત્રે પિતા-પુત્રીનો કબજો મેળવી પોલીસ મથકે લઈ આવી હતી ત્યારે તેઓને આ બાબતનો કોઈ અફસોસ ન હતો,પરંતુ પુત્રી કૌશિકા એમ કહેતી હતી કે, મેં જ મારી મા ને મારી નાંખી છે, મને ફાંસીએ લટકાવી દો. કૌશિકાના આવા ઉદ્ગારથી પોલીસને પણ તેની માનસિક અસ્વસ્થતાનો ખ્યાલ આવી ગયો હતો. જો કે પોલીસે આ કેસમાં હજુપણ રહસ્મય રહેલા પ્રશ્નોનો જવાબ મેળવવા માટે તપાસ ચાલુ રાખી છે.