સિંચાઈના ૨૭ કરોડની વસૂલાતનો વિવાદ, નવસારી પાલિકા સામે નરમાઈ અને ખેડૂતો સામે કડકાઈ
મોટા ખેડૂત બાકીદારોના નામો ગામના ચોતરે મુકવાનો નિર્ણય
નવસારી જિલ્લામાં ખેડૂતોની સિંચાઈની બાકી અંગે કડકાઈભર્યા અભિગમ દાખવી મોટા બાકીદારોના નામો ગામોના ચોતરા ઉપર મુકી બદનામ કરવાનો નિર્ણય લેવાયો છે, ત્યાં બીજી તરફ ૧૭ કરોડની સૌથી વધુ બાકી ધરાવતી નવસારી પાલિકા સામે કડક અભિગમ ન દાખવી સિંચાઈ વિભાગ ‘ભાઈબચી’ કરી રહી છે.
નવસારી જિલ્લાના સિંચાઈ વિભાગના અંબિકા ડિવિઝનની બાકી વસૂલાતનો આંક ૨૭ કરોડ રૂપિયાથી વધુ છે. આ બાકીમાં ૧૦ કરોડ રૂપિયા ખેડૂતોના સિંચાઈ પિયાવાના તથા ૧૭ કરોડ રૂપિયા નવસારી પાલિકા પાસેનું લેણુ છે. તાજેતરમાં મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સિંચાઈ વસુલાતનો મુદ્દો ઉછળ્યો હતો.
બેઠકમાં જિલ્લા કલેક્ટર ડી.પી. જોષીએ વધુ બાકીદાર ખેડૂતોના નામો ગામોના ચોતરા ઉપર મુકી દેવા જણાવ્યું છે. આ આદેશને પગલે સિંચાઈ વિભાગે મોટા બાકીદારોના નામો ચોતરા ઉપર મુકી તેઓની બદનામી થાય તેવી તજવીજ હાથ ધરી છે. એવું જાણવા મળ્યું છે કે હાલમાં ૫૦ હજારથી વધુના ૧૨૨ બાકીદારો (કુલ લેણું ૮૮ લાખ)ના નામો ચોતરા ઉપર મુકાશે .
અન્ય જે બાકીદારો છે તેમાં ૫ હજારથી ૨૫ હજાર સુધીના ૩૧૦૨ ખેડૂતોના ૪.૫૧ કરોડ તથા ૨૫ હજારથી ૫૦ હજાર સુધીની બાકી ધરાવતા ૨૬૧ ખેડૂતોના ૯૮ લાખ છે. ખેડૂતોની કુલ બાકી ૧૦ કરોડ જેટલી છે. જ્યાં એક તરફ ખેડૂતો સામે ભારે કડકાઈ દાખવી પ્રથમ બોજા દાખલ કરી અને હવે નામો ચોતરા ઉપર મુકવાની તજવીજ હાથ ધરાઈ છે ત્યાં બીજી તરફ જિલ્લામાં સિંચાઈ વિભાગની સૌથી મોટી દેવાદાર નવસારી પાલિકા સામે કડકાઈ દાખવી નથી.
સિંચાઈ વિભાગ દ્વારા પાલિકાને પીવા માટે અપાતા પાણી માટેની વ્યાજ સહિતની કુલ બાકીનો આંક ૧૭ કરોડ થઈ ગયો છે. આજદિન સુધી સિંચાઈ વિભાગ માત્ર નોટિસો જ આપ્યા કરે છે. વસૂલાત માટે કોઈ જ કડક પગલાં લીધા નથી. ખેડૂતો સામે કડકાઈ અને પાલિકા સાથે નરમાઈ, આવું કેમ ?
પાલિકાની વાત અલગ છે
ખેડૂતો પાસે વ્યક્તિગત બાકી છે અને તે વસૂલવા નામો મુકવાનો નિર્ણય લેવાયો છે. પાલિકાની બાકી અલગ બાબત છે અને તેની પણ વસૂલાત અંગે રાજ્યકક્ષાએ શહેરી વિકાસ વિભાગ અને ઈરગિેશન વિભાગ વચ્ચે વાતચીત ચાલુ છે. ડી.પી.જોશી, જિલ્લા કલેક્ટર, નવસારી
ખેડૂત સમાજની નારાજગી...
નહેર વિભાગની સિંચાઈ પિયાવાની બાકી બાબતની નીતિનો નવસારી-જલાલપોર તાલુકા ખેડૂત સમાજે વિરોધ કર્યો છે. તાજેતરમાં મળેલી ખેડૂત સમાજની બેઠકમાં જણાવાયું હતું કે એક તરફ નહેર વિભાગ બાકી પિયાવા અંગે ખેડૂતોની જમીન ટાંચણમાં લેવાની પ્રવૃત્તિ કરી રહી છે જ્યારે બીજી તરફ મ્યુનિસપિલ કોર્પોરેશન તથા ઉદ્યોગોને અપાતા પાણીના કરોડો રૂપિયા બાકી છે ત્યારે તેમની મિલકતો ટાંચણમાં લેવાતી નથી. આવી બેધારી નીતિથી ખેડૂતો મૂઝવણમાં હોવાની વાત પણ બેઠકમાં જણાવાઈ હતી.