શહેરનાં કેટલાંક ટ્રાફિક સર્કલ ખાતે ટ્રાફિક પોલીસની પડખે ઊભા રહી સાદાં વસ્ત્રોમાં સજ્જ કેટલાક લોકોને વાહનચાલકો પર કહેર વરસાવતાં તમે જોયા હશે, તેમને જોઇને તમારા મનમાં સવાલ ઊભો થતો હશે કે આ વ્યક્તિઓ કોણ છે? જેનો જવાબ અત્રે પ્રસ્તુત છે, હકીકતમાં તેઓ ટ્રાફિક પોલીસના એજન્ટ્સ છે, તેઓ વાહનચાલકોને રોકીને રસીદ ફાડે છે, હદ તો ત્યારે થાય છે કે તેઓ વાહનચાલકો પર દંડો ઉગામે છે અને ગાળાગાળી પણ કરે છે, ‘ડીબી ગોલ્ડે’ શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી પોલીસના આવા પંટરોની તસવીરો કેમેરામાં કેદ કરી છે
સવાઈ પોલીસનો આતંક
ટ્રાફિક પોલીસના એકપણ પંટર સામે આજદિન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી, આક્ષેપ તો એવો પણ છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓને હપ્તામાંથી મોટો હિસ્સો મળી જતો હોવાથી તેઓ નિષ્ક્રિય છે
ટ્રાફિક નિયમનમાં ટ્રાફિક પોલીસની સહાય માટે ટ્રાફિક બ્રિગેડ અને હોમ ગાર્ડ્ઝના કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યાં છે, છતાં ટ્રાફિક પોલીસ ભૂતપૂર્વ બાતમીદારો કે રિક્ષાચાલકોની મદદ લઈ રહી છે. જો આ લોકોની ટ્રાફિક નિયમન માટે મદદ લેવામાં આવતી હોય તો વાત બરાબર છે, પરંતુ અહીં તો ટ્રાફિક પોલીસ ફક્તને ફક્ત હપ્તાવસૂલીનો ટાર્ગેટ પહોંચી વળવા માટે તેમની મદદ લઈ રહી છે. આથી જ આવા પંટરોને છુટ્ટો દોર આપવામાં આવી રહ્યો છે. આ વાત કંઈ શહેરના એકાદ વિસ્તારની નથી. ‘ડીબી ગોલ્ડે’ સોશિયો સર્કલ, સ્ટેશન, ઉધના-મગદલ્લા રોડ, સહારા દરવાજા, સરદાર માર્કેટ, સુરત-નવસારી રોડ તથા પાંડેસરાના પિયુષ પોઇન્ટ ખાતે વાહનચાલકોને ત્રાસા આપતા પંટરોની તસવીરો કેમેરામાં કેદ કરી છે.
અમે પણ સ્ટાફ છીએ
ભાગળ ચાર રસ્તા ઉપર પણ આ જ રીતે ટ્રાફિક જમાદાર સાથે તેનો ખાનગી કેશિયર જોવા મળ્યો હતો. આ ભાઇ પાસે તો પોલીસનો દંડો ઉપરાંત પોલીસની રસીદ બુક પણ હતી. તે બિન્દાસ્ત પોલીસ બનીને બધાને દંડા ફટકારતો હતો. તે વખતે તેનો અન્નદાતા એવો જમાદાર બાઇક ઉપર બેસીને આરામ ફરમાવી રહ્યો હતો. જોકે અમે પંટરનો ફોટો પાડી લીધો હોવાની શંકા જતા જમાદારે અને તેના પંટરે અમને દમદાટી આપી મોબાઇલ ફોન લઇ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. અમે ઓળખ છતી કરતા પંટરે ગભરાયા વિના પોતાની ઓળખ સ્ટાફ તરીકે આપી હતી અને કાર્ડ પણ હોવાની વાત કરી હતી. જોકે જમાદારે તેને ત્યાંથી રવાના કરી દીધો હતો.
પોલીસ જેવો વેશ
પોલીસના પ્રાઇવેટ માણસો અને સવાઈ પોલીસ બનીને ફરતા આ શખ્સો જોકે પોતાનો વેશ પણ પોલીસ જેવો જ ધરે છે. ગણવેશને બાદ કરતા તમામ રીતે પોતાની રીતભાત પોલીસ જેવી જ રાખે છે. તેઓ પોલીસની લાકડી જ સાથે રાખે છે. તે ઉપરાંત બુટ પણ પોલીસ પહેરે તેવા જ કાળા અથવા તો સફેદ સ્પોર્ટસ શૂઝ પહેરે છે. વાળની સ્ટાઇલ પણ પોલીસ જેવી ક્રૂ કટ રાખે છે.
‘ડીબી ગોલ્ડે’ પકડ્યા પંટર
ટ્રાફિક પોલીસે પ્રાઇવેટ ઉઘરાણી કરી શકાય તે માટે રાખેલા પંટરોને પકડવા માટે ‘ડીબી ગોલ્ડ’ની ટીમ શહેરમાં એક અઠવાડિયા સુધી ફરી હતી. ભટાર ચાર રસ્તા પાસે એક જમાદાર સાથે બે પંટર જોવા મળ્યા હતા. તેઓ વાહનચાલકોને આંતરીને સાઇડ ઉપર લગાવી રહ્યા હતા. બંને પોલીસ ન હોવા છતાં પણ બંનેના હાથમાં પોલીસના દંડા હતા. એક જણે સ્પોર્ટસ શૂઝ પહેર્યા હતા, પરંતુ બીજાએ તો પોલીસ પહેરે તેવા જ કાળા બૂટ પહેર્યા હતાં. વાળની સ્ટાઇલ પણ પોલીસ રાખે તેવી ક્રૂ કટ હતી.
જમાદાર કેટલાકને રસીદ આપતો હતો, તો કેટલાક પાસેથી બે પંટરો રીતસરની ઊઘરાણી કરી રહ્યા હતા. બંનેને વાહનચાલકોના લાઇસન્સ કે અન્ય દસ્તાવેજો માંગવાના કોઇ અધિકાર ન હોવા છતાં પણ તેઓ દસ્તાવેજો ચકાસણી માટે માંગવાની સાથે તેમની સાથે અભદ્ર વર્તન પણ કરતા હતા. એક ટેમ્પો ચાલકને તો તેમણે માર્યો પણ હતો. આ જ પંટરો બીજા દિવસે સોસીયો સર્કલ ખાતે વાહનચાલકોને રંજાડતા જોવા મળ્યા હતા. જોગર્સ પાર્ક નહેર પાસે પણ કંઇક આવું જ ર્દશ્ય જોવા મળ્યું હતું. અહીં એક સબ ઇન્સપેક્ટર અને તેનો પંટર નહેર પાસે ઊભા રહી ગયા હતા. ફક્ત કપડાને બાદ કરતા કાળા બૂટ અને હાથમા દંડા સાથે હાજર ફોજદારનો પ્રાઇવેટ કેશિયર વાહનચાલકોને આંતરીને એક કિનારે ઊભો રાખતો હતો. અનેક પાસેથી તેણે કટકી પણ કરી લીધી હતી.
પ્રાઇવેટ કંપની
ટ્રાફિક પોલીસની મદદ માટે ટ્રાફિક બ્રિગેડ અને હોમ ગાર્ડના કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હોવા છતાં ટ્રાફિક પોલીસ પંટરોને રોકી રહી છે. આ સચ્ચાઈની જાણ અધિકારીઓને ન હોય એ વાત માનવામાં આવે એમ જ નથી. આક્ષેપ તો એવો પણ થયો છે કે અધિકારીઓ જ આ મામલે આંખ આડા કાન કરી રહ્યાં છે.
પંટરોની કામગીરી
ટ્રાફિક પોલીસના પંટરો ટ્રાફિક પોઇન્ટ પર વાહનોને રોકીને વાહનચાલક પાસેથી લાઇસન્સ પણ માગે છે. જો વાહનચાલક પાસે લાઇસન્સ કે પીયુસી ન હોય તો તરત તેમને રસીદ આપવામાં આવે છે. જોકે કાયદા-વ્યવસ્થાનું પાલન કરનારાઓ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરતાં હોય ત્યારે ન્યાયની અપેક્ષા રાખવી વ્યર્થ છે.
ચા કરતાં કિટલી ગરમ
ટ્રાફિક પોલીસ વાહનચાલકો સાથે યોગ્ય વ્યવહાર ન કરતી હોવાની ફરિયાદો આવતી જ રહે છે ત્યાં જ વળી આ પંટરો વાહનચાલકો સાથે અભદ્ર વ્યવહાર કરતાં હોવાની વાત બહાર આવી છે. ટ્રાફિક પોલીસ જ આ પટંરોના હાથમાં દંડો થમાવી દે છે. બેફામ બનેલા આ પંટરો વાહનચાલકો પર દંડો ઉગામતા કે ગાળાગાળી કરતાં પણ ખચકાતા નથી.
ઇન્કવાયરી કરીને જવાબ આપીશ
આ મામલે મને જાણ નથી, પરંતુ તમે ક્યાં-ક્યાં આ રીતે ટ્રાફિક પોલીસની સાથે પ્રાઇવેટ માણસો જોયાં તેની મને વિગતો આપો. હું આ મામલે ઇન્કવાયરી કરીને તમને જવાબ આપીશ.- એ. જી. ચૌહાણ, ડીસીપી (ટ્રાફિક)