તમાકુની બનાવટો વપરાશને રોકવા સરકારોના અનેક ઉપાયો ધાર્યા સફળ થયા નથી ત્યારે હવે પ્રાથમિક શાળા કક્ષાએથી જ વિદ્યાર્થીઓને તમાકુના ભયસ્થાનોની સમજ આપવાનો નવીનત્તમ કિમિયો નવસારી જિલ્લામાં શરૂ થયો છે.
તમાકુની બનાવટો જેવી કે બીડી, સિગારેટ, ગુટખા વગેરેનો વપરાશ સમાજમાં ઘટવાને બદલે વધતો જ રહ્યો છે. જેને લઈને કેન્સર જેવી જીવલેણ બિમારીના દર્દીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. તમાકુની બનાવટોનું સેવન કરવાથી કેન્સર જેવી જીવલેણ બિમારી થાય છે એવો પ્રચાર સરકારે તમાકુની પ્રોડકટો ઉપર પ્રસિદ્ધ કરવાની ફરજ પાડી છે, આમ છતાં તમાકુના વપરાશમાં ધારણા પ્રમાણે સફળતા મળી નથી. હવે સરકારે આ માટે નવીન કિમિયો અપનાવવાનો નિર્ણય કર્યો છે. નાનપણમાં વિદ્યાર્થી કક્ષાએથી જ તમાકુ પ્રત્યે અરૂચિ પેદા થાય અને તમાકુના ભયસ્થાન સમજાય તેવી રીત અપનાવાશે. આ માટે પ્રાથમિક શાળાઓમાંથી જ જાણકારી અપાશે.
ડિસ્ટિ્રકટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા જિલ્લાની તમામ સરકાર ગ્રાંટેડ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોને તમાકુના ભયસ્થાનો, તેનાથી થતા રોગો અને નુકસાની, વિદ્યાર્થીઓને થતી અસર વગેરે બાબતની જાણકારી આપતી ટ્રેનિંગ અપાઇ છે. આ ટ્રેનિંગ અંતર્ગત ૫૦-૫૦ના ગ્રુપમાં કુલ ૧૫ ગ્રુપોમાં તમામ ૭૫૦ પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ અપાઈ છે. શિક્ષકોને સીડી વગેરે સાહિત્ય પણ અપાયું છે.