દક્ષિણ ગુજરાતમાં કોબીજ નો પાક ઘણાં ખેડૂતો કરે છે.કોબીજ ની ખેતી અંગે કૃષિ વૈજ્ઞાનિક બી. એમ. ટંડેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં આ પાક શેરડીમાં આંતરપાક તરીકે ખૂબ જ પ્રચલિત છે. સુરત અને તાપી જિલ્લામાં ઘણાં ખેડૂતો શેરડીની સાથે કોબીજ અને ફ્લાવરનો પાક લઇ સારી આવક મેળવી રહ્યાં છે.
- આબોહવા
કોબીજનો પાક ઠંડી ઋતુનો પાક હોવા છતાં સંશોધન ફળશ્રૃતિરૂપે વર્ષ દરમિયાન ઉનાળાના ખૂબ જ ગરમ દિવસો સિવાય કોઈ પણ સમયે તેની ખેતી કરી શકાય છે. ચોમાસાનો વધુ પડતો વરસાદ આ પાકને અનુકુળ આવતો નથી. ચોમાસું પાકમાં રોગ અને જીવાતનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. જ્યારે ઉનાળાની વધુ ગરમીના કારણે દડા પ્રમાણમાં નાના રહે છે તેમજ ફાટી જાય છે. વધુ પડતી ગરમીના કારણે દડાનો કોહવારો થાય છે. શાકભાજી પાક તરીકે આ પાક એક વર્ષીય છે. જ્યારે બિયારણ ઉદ્પાદન કરવા માટે દ્વિવાર્ષિક પાક છે.
- રોપણી સમય
કોબીજની રોપણી ઓગસ્ટથી શરૂ કરી ફેબ્રુઆરી માર્ચ માસ સુધીમાં સમયાંતરે કરવામાં આવે છે. સારા બજારભાવ અને એક વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકાય છે.
- કાપણી અને ઉત્પાદન
કોબીજના દડા પૂર્ણ રીતે વિકસત થાય એટલે તુરંત જ કાપવાની શરૂઆત કરવી જોઈએ. મોડી કાપણી કરવાથી મુખ્યકળીનો વિકાસ થતો હોવાથી દડા ફાટી જાય છે, જેના બજારભાવ સારા મળતા નથી. શક્ય હોય તો કોબીજની કાપણી બપોર પછી કરવી કે જેથી દડા લાંબા સમય સુધી તાજા રહે.
કોબીજનું ઉત્પાદન એકમ વિસ્તારદીઠ છોડની સંખ્યા, ઉત્પાદનની ઋતુ, જાત માવજત વગેરે ઉપર આધારિત છે. એક હેકટરે સરારાશ ઉત્પાદન ૩૦થી ૫૦ હજાર કિલો મળે છે.