ધરમપુર તાલુકાના અંતરિયાળ લાકડમાડ ગામે શનિવારે મોડી સાંજે ઘરમાં એકલી ગૃહિણીને નજીકમાં આવેલી કાંગવી હાઇસ્કૂલના નશામાં ચકચૂર એક શિક્ષકે બાથમાં લેતા ભારે હોબાળો મચી ગયો હતો. દરમિયાન ગૃહિણીની બૂમાબૂમથી નજીકના રહીશો દોડી આવતા પીધ્ધડ શિક્ષકને ઝડપી મેથીપાક ચખાડ્યો હતો. આ મામલે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઇ હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધરમપુરના લાકડમાડ ગામમાં રહેતા રસીક પટેલનો મોટો દીકરો પ્રતાપ નજીકમાં આવેલી કાંગવી હાઇસ્કૂલમાં ધો.૧૦ અભ્યાસ કરે છે. શનિવારે મોડી સાંજે તે નવરાત્રી નિમિત્તે માતાજીના ગરબા જોવા ગયો હતો. ત્યારે તેના ઘરમાં માત્ર માતા રેખાબેન અને સાત વર્ષનો નાનો ભાઇ એકલા હતા.
દરમિયાન પ્રતાપની સ્કૂલનો શિક્ષક ભરતભાઇ દારૂ પીધેલી હાલતમાં તેના ઘરે ધસી આવી રેખાબેનને વળગી પડ્યો હતો. એકાએક ઘરમાં ધસી આવેલા પીધ્ધડ શિક્ષકની હરક્તથી ગભરાયેલા રેખાબેને બૂમાબૂમ કરી બહાર નિકળી ગયા હતા. જેને લઇ નજીકના રહીશો દોડી આવ્યા હતા. નજીકના લોકોએ શિક્ષકને પકડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ મામલે રેખાબેન રસિક પટેલે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા.