વફાદાર પ્રાણી કૂતરાં હિંસક બનતાં ગ્રામજનો ખેતરે જતાં ડર અનુભવી રહ્યા છે
ઝઘડિયા તાલુકાના ગોરાટીયા ગામે કુતરાઓએ ખેતરમાં નિંદામણ કરતી વૃદ્ધાની પર હુમલો કરતા ઈજાગ્રસ્ત વૃધ્ધાનું મોત થવાની ઘટનાથી પંથકમાં ખેતરોમાં મજુરી કામ કરવા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બનાવની પ્રાપ્તથતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના ગોરાટીયા ગામે રહેતી સુરતીબહેન છત્રસિંહ મુળજીભાઇ વસાવા તેમના પુત્રો સાથે રહી ખેત મુજરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
મંગળવારે બપોર બાદ તેઓ ખેતરે ગયા હતા. ખેતરમાં નિંદામણનું કામ કરતા હતા. આ વેળા બાર થી પંદર જેટલા કુતરાઓ એકત્ર થઇ સુરતી બહેન તરફ ભસવા માંડેલા ત્યારે તેમને ભગાડવાનો પ્રયત્ન કરતા તેઓ સામે હુમલો કર્યો હતો.
સુરતીબહેન વસાવાને આખા શરીરે બચકા ભરી લીધા હતા. એક સાથે બારથી પંદર જેટલા કૂતરાના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાનું મરણ થયું હતું. આ બાબત અંગે ધારોલી સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સુનીલસીંગે જણાવ્યું હતું કે હુમલો થયો છે તે શરીરના પાછળના ભાગે થયો છે.
પોતાના બચાવ ખાતર જમીન પર ઉંધા પડી ગયા હોવાનું અનુમાન છે. પગ પાસે જાંઘનો ભાગ ખલાસ થઇ ગયો હતો. માથામાં પણ બચકા ભરેલા જોવા મળ્યા હતા. સારવાર મળે તે અગાઉ વૃધ્ધા મોતને ભેટી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કૂતરા કરડવાના બનાવોએ માઝા મુકી છે.