વાપીમાં ડુંગરાના રહેણાંક વિસ્તારને પાલિકામાં સમાવવા તેમજ વલસાડમાં ૧૯મીની વિવાદી સભાની કાર્યવાહી સામે હોબાળો થવાની સંભાવના
વાપી તેમજ વલસાડમાં મળનારી ૩૦ જુલાઈની સામાન્ય સભા તોફાની બની રહે તેવા એંધાણ જોવા મળે છે.
શુક્રવારે મળનારી વલસાડ પાલિકાની સભાના કામ નં.૧માં ગત ૧૯મી જુલાઇની સભાની વિવાદી કાર્યવાહીની બહાલીના મુદ્દે વિપક્ષ અને બળવાખોર જુથે શાસક પક્ષને ભીંસમાં લેવા પસ્તાળ પાડવાના તખ્તો ગોઠવ્યો છે.
તા.૨૩મી જુન અને તા.૧૯મી જુલાઇના રોજ કારોબારી સહિતની વિવિધ સમિતિઓની રચના કામે મળેલી બન્ને સભાઓમાં પાલિકા અધિનિયમ વિરૂધ્ધની કાર્યવાહી થઇ હોવાનુ પ્રકરણ કલેક્ટરમાં હજી અનિણીઁત હોવા છતાં તા.૩૦ જુલાઇનાં રોજ મળનારી સભામાં પ્રમુખ જનક ભાનુશાલીએ વિવાદી સભાની કાર્યવાહીની બહાલીનું પ્રથમ કામ એજન્ડામાં લીધુ છે.
શાસકપક્ષના આ વ્યુહ સામે કોંગ્રેસના વિપક્ષ નેતા ગીરીશ દેસાઇએ ટેકનીકલ મુદ્દાઓ હેઠળ સત્તાધારી ભાજપને ભીંસમાં લેવાશે તેવું જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ તા. ૨૩ જુનની સભામાં મતદાન દ્વારા કારોબારી સમિતિની રચનાનો ઠરાવ તા. ૧૯મી જુલાઇના સભામાં રદ કરી નવો ઠરાવ કરવાની ગેરકાયદે કાર્યવાહી થઇ હતી.
હકીકતમાં કોઇપણ ઠરાવ થયા બાદ પાલિકા અધિનિયમ ૫૧ (૧૨) મુજબ ૯૦ દિવસ પછી જ તેને રદ કરવાની પ્રક્રિયા થઇ શકે જેથી શાકસ પક્ષને આ મુદ્દે ભીંસમાં લેવાનો નિર્ણય કર્યો છે. આ સાથે અગાઉની સભામાં કોંગ્રેસી સભ્યોએ શાસક પક્ષને આપેલા ટેકા અંગે હાઇકમાન્ડને પણ જાણ કરવામાં આવી છે તેવુ જણાવ્યુ હતુ.
બીજી તરફ બળવાખોર જુથના સભ્ય જગદીશ રાણાએ જણાવ્યુ કે આગળની બન્ને સભાનો મામલો કલેક્ટર સમક્ષ કોર્ટમાં પેન્ડિંગ હોય ત્યારે આ સભામાં તેની કાર્યવાહી નોંધને બહાલી આપી શકાય નહિ જે મુદ્દે બળવાખોર જુથ જોરદાર વિરોધ નોંધાવશે.
વાપી નગરપાલિકાની શુક્રવારે બપોરે મળનારી સામાન્ય સભામાં કારોબારી સમિતિમાં લેવાયેલા કાર્યોને બહાલી આપવા તથા જીઆઈડીસી અંતર્ગત આવતાં ડુંગરાનાં રહેણાંક વિસ્તારને પાલિકામાં સમાવવા એજન્ડામાં લવાતા અને પાણીનો વેરો વધારવા બાબતે વિરોધ ઊભો થાય તેવી શક્યતાં જોવા મળી રહી છે.
વાપી નગરપાલિકાની આવતીકાલે શુક્રવારે ૩:૩૦ કલાકે સભાખંડમાં મળનારી સામાન્ય સભામાં અનેક મુદ્દે સભા ગાજી ઉઠશે. મુખ્યત્વે પાલિકા દ્વારા શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા અપાયેલા આદેશના પગલે પાણી વેરો રૂ.૧૨૦થી વધારીને ૬૦૦ કરવાના નિર્ણય ઉપરાંત હાલમાં જીઆઈડીસી અંતર્ગત આવતાં ડુંગરા વિસ્તારનો ૬ એકર રહેણાંક વિસ્તારને પાલિકામાં સમાવવાનાં મુદ્દે સામાન્ય સભામાં બબાલ થવાની શક્યતા જોવાઈ રહી છે. શાસક અને વિરોધ પક્ષ એકી સુરે ડુંગરાના વિસ્તારને પાલિકામાં સમાવવા માટે વિરોધ કરી રહ્યાં છે, ત્યારે આવતીકાલની સામાન્ય સભામાં આ બાબતે સવૉનુમતે શું નિર્ણય લેવાય છે, તેનાં ઉપર સૌની નજર રહેશે.