રૂ. ૧૯.૭૦ લાખની ઉચાપત ઉપરાંત કરોડોના કૌભાંડની આશંકા
ડાંગના તત્કાલિન મદદનીશ પશુપાલન નિયામક ડૉ. મહાલા સામે ઉચાપતનો ગુનો દાખલ થયા બાદ વઘઈ પોલીસે ડૉ. મહાલાની ધરપકડ કર્યા બાદ આહવા કોર્ટમાં રજુ કર્યો હતો.
ડાંગ જિલ્લા પંચાયતમાં વિવાદાસ્પદ બનેલા મદદનીશ પશુપાલન નિયામક ડૉ. ડી.આર. મહાલાની બદલી થોડા સમય પહેલા તાપી જિલ્લામાં મદદનીશ પશુપાલન સુધારણામાં કરવામાં આવી હતી. તેઓએ ડાંગ જિલ્લા પંચાયતમાં મદદનીશ પશુપાલન નિયામકપદે ફરજ દરમિયાન લવારીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ગાયો માટેની લોનની સબસિડીમાં ઉચાપત કરી હતી. આ વાત ડાંગ જિલ્લા વિકાસ અધિકારી રાજેશ માંજુને ધ્યાનમાં આવતા તેઓની સૂચનાથી ડાંગ જિલ્લા પંચાયત ઈનચાર્જ પશુપાલન નિયામક ડૉ. દિનેશભાઈ પટેલે ઉચાપત બાબતે ડૉ. મહાલા વિરુદ્ધ વઘઈ પોલીસ સ્ટેશને ૨૩મી જાન્યુઆરીના રોજ ગુનો નોંધાવ્યો હતો.
ડાંગ જિલ્લા પંચાયત ઈનચાર્જ પશુપાલક નિયામક ડૉ. દિનેશભાઈ પટેલે વઘઈ પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદ મુજબ ડાંગ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા મદદનીશ પશુપાલન નિયામક ડૉ. મહાલા દ્વારા સન ૨૦૧૧ દરમિયાન લવારીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ ગાયો લીધી હતી. સરકારના નિયમ મુજબ તેઓને સબસિડીના નાણાં મળવાપાત્ર હતા.
આ નાણાં લવારીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોને મળ્યા ન હતા. તા. ૧૬/૩/૧૧ના રોજ વલસાડ ડિસ્ટિ્રકટ કો.ઓપરેટીવ ગ્રામીણ બેંક વઘઈમાં સબસિડીના મળવાપાત્ર સભાસદોના નાણાં R ૧૯,૭૦,૦૦૦ ઉક્ત અધિકારીને ડૉ. મહાલા દ્વારા જમા કરવામાં આવ્યા ન હતા. આ બાબતે વઘઈ પોલીસે ગુનો નોંધી તત્કાલીન ડાંગ જિલ્લા પંચાયત મદદનીશ પશુપાલન નિયામક ડૉ. મહાલા વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૯,૪૬૭,૪૬૮ મુજબ સરકારી નાણાંનો દુરુપયોગ તથા બોગસ દસ્તાવેજ બનાવવાના ગુના દાખલ કરવામાં આવ્યો હતો.
શુક્રવારે સીપીઆઈ ગોડ તથા વઘઈ પીએસઆઈ મનિષ પટેલે તત્કાલીન ડાંગ જિલ્લા પંચાયત મદદનીશ પશુપાલન નિયામક ડૉ. મહાલાની ધરપકડ કરી તેઓને આહવા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. ડૉ. મહાલાની ધરપકડથી જિલ્લાના ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ગભરાટ ફેલાય જવા પામ્યો હતો.