હજારો ભૂલો કર્યા પછી પણ આપણે આપણી જાત સાથે પ્રેમ કરીએ છીએ, તો પછી બીજાની એક ભૂલ માટે નફરત કેમ થાય છે
ના ધરા સુધી... ન ગગન સુધી... ના ઉન્નતિ કે પતન સુધી... આપણે તો પહોંચવું છે બસ...એકબીજાના મન સુધી..તપોવનમાં મુનિ રાજરક્ષિતવિજયજીએ જણાવ્યું કે હજારો ભૂલો કર્યા પછી પણ આપણે આપણી જાત સાથે પ્રેમ કરી શકીએ છીએ, તો પછી બીજાની એક ભૂલ માટે તે વ્યક્તિ તરફ નફરત કેમ થાય છે ??? જીવનમાં ખુશ રહેવા માટે દરેક વ્યક્તિએ એટલું સમજી લેવું જોઈએ કે કુદરત માનવીને લાયકાત કરતા વધુ સુખ અને સહનશક્તિથી વધુ દુ:ખ આપતી નથી.
વસ્તુ કરતા વસ્તુનો પડછાયો મોટો હોય છે તેમ દુ:ખ કરતા દુ:ખની કલ્પના માણસને દુ:ખી કરતી હોય છે. પ્રતિકૂળતામાં નાસીપાસ થવું ન જોઈએ. રાત પછી દિવસ આવે છે. દરેક બોગદાનો અંત હોય છે તેમ દુ:ખ પછી સુખ આવે છે. પ્રતિકૂળ પ્રસંગોની વધુ પડતી યાદ, ફરિયાદમાં પરિણામ્યા વિના રહેતી નથી. પ્રતિકૂળતા એ ઉત્થાનનું કારણ છે જ્યારે અનુકૂળતા એ પતનનું કારણ છે.
દિવાળીમાં સારું ફર્નિચર વસાવનારે જુનો સરસામાન કાઢવો પડે છે તે રીતે શુભસંસ્મરણો સંઘરી રાખવા માટે નકામી કેટલીય વાતો ભૂલી જવી પડે છે.
લોભીયો માણસ જુનું ફર્નિચર સંઘરી રાખીને ઘરને વખાર બનાવી દે છે તેમ મન નકામી વાતો સંગ્રહીને ગંધાઈ ઉઠે છે. દરિયો મડદાને સંઘરતો નથી પણ ભરતી દ્વારા કિનારે ફેંકી દે છે માટે જ તેને રત્નાકર કહેવાય છે.