પુનરાવર્તિત વિકાસ નકશાની સરકારમાં દરખાસ્ત કરવી જરૂરી
વાપી પાલિકામાં લાંબા સમયથી પુનરાર્તિત વિકાસ નકશા માટે સરકાર સમક્ષ દરખાસ્ત કરાઇ નથી. ડુંગરા અને ચલાનો પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ કરાયા બાદ પણ જુના નકશાના આધારે કામગીરી કરવી પડે છે. તાજેતરમાં ટી. પી. એન્ડ સિટી ઇમ્પ્રુવમેન્ટ કમિટીની રચના થતાં હવે પુનરાવર્તિત વિકાસ નકશાની દરખાસ્ત કરવી જરૂરી છે.
વાપીમાં ભાવિ વિકાસ અને આયોજનને ધ્યાનમાં લેતા હવે પુનરાવર્તિત વિકાસ નકશાની દરખાસ્તની કાર્યવાહી કરવી જરૂરી છે.વાપીમાં વર્ષ ૧૯૮૫ થી ૯૫ સુધીનો વિકાસ નકશો તૈયાર કરવામાં આવ્યો હતો.વિવિધ નવા માર્ગો,રેલવે અન્ડરપાસ બ્રિજ,પાણી વિતરણ માટે નવી લાઇન,સૂચિત ભૂગર્ભ ગટર યોજના સહિત વિવિધ કામોનો સમાવેશ થયો હતો, પરંતુ પાલિકાના અસ્તિત્વ બાદ વાપી નગરપાલિકાનો નવો વિકાસ નકશો બન્યો નથી. નવી બોડી સામે વિકાસ નકશાનું કામ મહત્વનું છે.
હાલમાં વાપી નગરપાલિકા દ્વારા જુના નકશાના આધારે વિકાસના કામોને મંજુરી આપવાની ફરજ પડી રહી છે.નગરપાલિકા વિસ્તારમાં ડુંગરા અને ચલાનો સમાવેશ થયા બાદ પુનરાવર્તિત વિકાસ નકશા માટે દરખાસ્ત કરવામાં આવી નથી.વાપી નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ એન્ડ સિટી ઇમ્પ્રુવમેન્ટ કમિટીની રચના આખરે થઇ જવા પામી છે.
જેથી હવે વાપી નગરના પુનરાવર્તિત વિકાસ નકશાની સરકારમાં દરખાસ્ત કરવાની કાર્યવાહી સત્વરે થાય એ જરૂરી બન્યું છે. વિપક્ષના નેતા ખંડુભાઇ પટેલે જણાવ્યુ કે, ચૂંટણી પહેલા વિપક્ષે નવા વિકાસ નકશા સામે બેઠક બોલાવાની માગ કરી હતી. પુનરાવર્તિત નકશાની માગ વિપક્ષ દ્વારા હાલમાં પણ ચાલુ છે. પાલિકાના પ્રમુખ પારૂલ દેસાઈએ જણાવ્યું હતું કે, નિકાસ નકશાનો અભ્યાસ થયો નથી.સભ્યો અને તમામ સમિતીઓ સાથે સંકલન કરી જરૂરી ચર્ચા-વિચારણા કર્યા બાદ કોઇ નિર્ણય લેવામાં આવશે.હાલ આ અંગે કામગીરી હાથ ધરાઇ નથી.