રાજ્યના માર્ગ અને મકાન વિભાગે રસ્તાઓના નિર્માણને આપેલી લીલી ઝંડી
વાગરા તાલુકામાં માળખાકીય સુવિધાઓ વધારવાના ભાગરૂપે અંદાજીત રૂપિયા ૧૧ કરોડનું ભંડોળ મંજુર કરવામાં આવ્યું છે. ઔદ્યોગિક દ્રષ્ટીએ વાગરા તાલુકો આગળ વધી રહ્યો છે ત્યારે નવા નિર્માણ પામનારા રસ્તાથી સ્થાનિક પ્રજાની સુવિધામાં વધારો થશે. વાગરાના ધારાસભ્ય અને વિધાનસભાના કોંગ્રેસ પક્ષના દંડક ઈકબાલભાઈ પટેલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ સમક્ષ તાલુકાના વિવિધ ગામડાઓને જોડતાં માર્ગો અંગે રજુઆત કરી હતી. તેમની રજુઆતના પગલે માર્ગ અને મકાન વિભાગે તાલુકામાં વિવિધ રસ્તાઓને મંજુરીની મહોર મારી છે.
મંજુર થયેલા રસ્તાઓમાં રૂપિયા ૫ કરોડના ખર્ચે વાગરાથી નાહિયેર માર્ગ, ૬૦ લાખના ખર્ચે વાગરાથી રહિયાદ ચોકડી સુધીનો રસ્તો, ૨.૫ કરોડના ખર્ચે કાસવાથી મહેગામ માર્ગ, ૧ કરોડના ખર્ચે જંબુસર ચોકડીથી વહાલુ રોડ, ૧ કરોડના ખર્ચે દહેજ બાયપાસથી દશાન માર્ગ તથા ૧ કરોડના ખર્ચે સારણથી સાયખા માર્ગનો સમાવેશ થવા જાય છે. આમ તાલુકામાં છ નવા માર્ગોને મંજુરી મળી જતાં પ્રજાજનોમાં આનંદનું મોજુ ફરી વળ્યું હતું.