શહેરમાં ટ્રાફિકને નડતાં દબાણ હટાવવા પાલિકાનું પોલીસ સાથે અભિયાન
વલસાડમાં ન્યુ શાકભાજી વિસ્તારમાં બુધવારે નગરપાલિકાએ રોડ માર્જિનના દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરી સફાયો બોલાવી દીધો હતો. માર્કેટના ચારે તરફના માર્ગો ઉપર આવેલી દુકાનોના બહાર કાઢેલા પાકા ઓટલા જળમૂળથી ઉખેડી નાંખવામાં આવ્યા હતા. આ સાથે પાલિકાએ લાઇન દોરીનો સખ્તપણે અમલ કરી માર્ગો ખલ્લા કરી દેતાં શહેરીજનોએ રાહતની લા્ગણી અનુભવી હતી.
વલસાડની શાકભાજી માર્કેટ વિસ્તારમાં દુકાનદારોએ અનધિકૃત વધારાના ઓટલાનુ બાંઘકામ કરી ટ્રાફિકને અવરોધ ઉભો કરતાં વાહનચાલકો અને ખરીદી માટે આવતાં શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાની ્વ્યાપક ફરિયાદો ઉઠી હતી.લારી ગલ્લા,પાથરણાંવાળા અને કેટલાક દુકાનદારોની આડોડાઇથી આ વિસ્તાર ટ્ર્ાફિક સમસ્યાનુ કેન્દ્ર બની ગયુ હતુ.
અહિંના દુકાનદારોએ પાકા ઓટલા બહાર કાઢી વેચાણ માટેનુ સરસામાન ગોઠવી દેતાં વાહનોના પાર્કિંગનો પ્રશ્ન માથાના દુખાવા સમાન થઇ ગયો હતો.આ પરિસ્થિતિના નિરાકરણ માટે પાલિકા તંત્ર અને વલસાડ સિટી પોલિસ વચ્ચે ગત સપ્તાહે સંયુક્ત બેઠક મળી હતી. ચીફ ઓફિસર કીરીટ પટેલ,ટીપી ચેરમેન બ્રિજેશ સોલંકી, પાલિકા પ્રમુખ રાજુ પટેલ(મરચાં) અને સિટી પીઆઇ એમ.જ.ડાભી વચ્ચે ટ્રાફિક સમસ્યા હલ કરવાનો નિર્ણય લેવાયો હતો. દરમિયાન મંગળવારે પાલિકાએ દબાણદારોનેે નડતરો દુર કરી દેવાની ચેતવણી પણ આપી હતી.
જેના અમલ માટે બાંધકામ ઇજનેર હિતેશ પટેલ,એન્ક્રોચમેન્ટ ઇન્સપેકટર મુન્ના ચૌહાણ તથા પાલિકાની બાંઘકામ શાખાના કર્મીઓના કાફલાએ ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે શાકભાજી માર્કેટના રોડ માર્જિનના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધુ હતુ. પાલિકા પ્રમુખ રાજુ પટેલે સ્થળ ઉપર હાજર રહી દબાણ હટાવવાની કામગીરી પર નજર રાખી હતી.દુકાનોની બહાર કાઢેલા સિમેન્ટ કોંક્રિટના ઓટલા દુર કરી દીધા હતા. ત્યારબાદ લાઇન દોરીના પીળા પટ્ટાની હદનુ માકિઁગ કરી દેવામાં આવ્યુ હતુ.