ટ્રાફિક સમસ્યાની બૂમરાણને પગલે નગરપાલિકા અને પોલીસની કામગીરી
નવસારી પંથકમાં લોકોની ટ્રાફિક સમસ્યાને લઈ વારંવારની બૂમરાણને લઈ બુધવારથી નવસારી પાલિકાએ ટ્રાફિકને નડતરરૂપ લારીગલ્લા દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરી હતી.
નવસારી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વાહનચાલકોને શહેરના કેટલાક વિસ્તારોમાંથી પસાર થતા નવનેજા ઉતરી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલા પોલીસના લોકદરબારમાં પણ હાજર શહેરીજનોએ નવસારીમાં તાકીદે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા ઉગ્ર રજુઆતો કરી હતી. આ રજુઆતોને પગલે નવસારી ટાઉન પીઆઈ ભાર્ગવ પંડ્યાએ નવસારી પાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે ટ્રાફિક સમસ્યા હલ કરવા દબાણો હટાવવા અંગે ચર્ચા કરી હતી. પોલીસ વિભાગે દબાણ હટાવવા પોલીસ બંદોબસ્ત આપવાની પણ તૈયારી બતાવી હતી.
આ ચર્ચા અંતર્ગત બુધવારે નવસારી પાલિકાએ શહેરના ટ્રાફિકથી વધુ ધમધમતા કેટલાક વિસ્તારોમાં લારીગલ્લા દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરી હતી. શહેરના નગરપાલિકાથી ટાવર જતો મહાત્મા ગાંધીમાર્ગ, મોટાબજારથી કંસારવાડના નાકા સુધી, કંસારવાડથી લાયબ્રેરી ત્યાંથી સેન્ટ્રલ બેંક અને પાલિકા થઈ ચાંદની ચોક સુધીમાં નડતરરૂપ લારીગલ્લાઓ હટાવાયા હતા. આમાંના કેટલાક લારીગલ્લાને પાલિકા કચેરી નજીક જમા કરાયા હતા. નડતરરૂપ લારીગલ્લા હટાવની કામગીરી ટાણે નગરપાલિકાના સ્ટાફ સાથે પોલીસ પણ હાજર રહી હતી.
દબાણ હટાવ ઝૂંબેશ અંગે નવસારી પાલિકાના ચીફ ઓફિસર હર્ષદ પટેલે જણાવ્યું કે શરૂ થયેલા લારીગલ્લા દબાણ હટાવની કામગીરી આગામી દિવસોમાં પણ જારી જ રહેશે. લારીગલ્લા સિવાય અન્ય ગેરકાયદે દબાણો સામે પણ કાર્યવાહી થશે. જેના થકી ટ્રાફિકની સમસ્યા હલ થશે.
મધુમતીમાં દબાણ અંગે બબાલ
નવસારી નગરપાલિકાએ બુધવારે હાથ ધરેલી દબાણ હટાવની કામગીરી દરમિયાન શહેરના મધુમતી વિસ્તારમાં બબાલ પણ થઈ હતી. અહીં આવેલી મહાદેવ એન્ટરપ્રાઈઝના કથિત દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરતા વિવાદ ઉભો થયો હતો. પાલિકાના ચીફ ઓફિસર સહિતના સ્ટાફ સાથે દુકાનદાર કિશોર શર્મા અને તેના પુત્રોએ જીભાજોડી કરી હતી. મામલો ખાસ્સો ગરમાયો હતો અને ગાળાગાળી સુધી પહોંચ્યાનું જાણવા મળ્યું હતું. આ બબાલ અંગે બાદમાં પાલિકા તરફથી તથા વેપારી રાજેશભાઈ શર્મા તરફથી એમ બંને પક્ષો તરફથી સામસામી ફરિયાદ પણ નવસારી ટાઉન પોલીસ મથકમાં થઈ હતી.
બાંધકામોના દબાણોનું શું ?
નવસારીમાં ટ્રાફિક સમસ્યા વકરવા માટે માત્ર લારીગલ્લાવાળાના દબાણો જ જવાબદાર નથી પરંતુ અનેક ગેરકાયદે બાંધકામો પણ જવાબદાર છે. શહેરમાં અનેક જગ્યાએ બાંધકામોમાં પાર્કિંગ ન હોવું યા અપૂરતા પાર્કિંગને લઈ દ્વિચક્રી યા ચાર ચક્રી વાહનો રોડ ઉપર જ પાર્ક થતા જોવા મળે છે. વાહનોના પાર્કિંગ હયાત રોડની ઓછામાં ઓછા ૨૫થી ૩૦ ટકા જગ્યા કબજે કરી લે છે. વધુમાં બાંધકામોના વધારાના દબાણ પણ સમસ્યા ઉભી કરે છે.