ભરૂચ જિલ્લાના ખેડૂતોએ રેલી કાઢી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
વડોદરા-મુંબઇ એક્ષપ્રેસ હાઇવે માટે સંપાદિત થનારી ખેડૂતોની જમીન સામે એકતા ગ્રામિણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ ૩૨ ગામોનાં ખેડૂતોએ જ્યાં સુધી જમીન સંપાદનના કાયદામાં સુધારાનો અમલ નહિ થાય ત્યાં સુધી કાર્યવાહી બંધ રાખવા માટે રેલી કાઢી તલાટી કમ મંત્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું.
ભરૂચ એકતા ગ્રામિણ વિચાર મંચ નેજા હેઠળ વડોદરા-મુંબઇ એક્ષપ્રેસ હાઇવે માટે જિલ્લાનાં ૩૨ ગામોના ખેડૂતોની હાઇવે એક્ટ ૧૯પ૬ હેઠળ સંપાદન કરવામાં આવી રહેલી જમીન સામે વિરોધ વંટોળ તેજ બની રહ્યો છે. ખેડૂતોને મળનાર વળતર નહિવત હોવાથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે. ૨૩ ઓગસ્ટનાં રોજ ૩૨ ગામના ખેડૂતોએ ગામમાં રેલી કાઢી તલાટી કમ મંત્રીને મુખ્યમંત્રી અને વડાપ્રધાનને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ખેડૂતોના હિતમાં રોડ અને હાઇવે માટે જે જમીનો સંપાદન કરવામાં આવનાર છે તેમાં પણ કેન્દ્ સરકાર દ્વારા જમીન સંપાદન અધિનિયમમાં સુધારો કરતુ બિલ ૨૦૧૧ લોકસભામાં પસાર કરવામાં આવનાર છે. તેમાં હાઇવે માટે પણ સંપાદન થનારી જમીનમાં અમલ કરાવવા માગણી કરાઇ છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોના હિતમાં ખાનગી ઉદ્યોગો માટે કે જાહેર હેતુ કે રસ્તા સહિત અન્ય કોઇ હેતુમાં જમીન સંપાદન કરવાની સઘળી કાર્યવાહી બંધ કરી દેવા જિલ્લાના ખેડૂતોએ માગણી કરી છે. જેના ભાગરૂપે કેલોદ ગામે એકતા ગ્રામિણ પ્રજા વિચાર મંચના મુખ્ય સંચાલક હસમુખ ભટ્ટની હાજરીમાં જિલ્લા સંગઠનના તમામ આગેવાનોએ ઉપસ્થિત રહ્યાં હતા.કેન્દ્ર સરકાર દ્વારા એક્સપ્રેસ હાઈવે માટે વિશાળ પ્રમાણમાં જમીન સંપાદન કરવાની હાથ ધરાયેલી કાર્યવાહી સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.