ગરીબ કલ્યાણ મેળાની પિત્રકામાં નામ ન હોવાનો મુદ્દો વધુ વિવાદી બન્યો
કપરાડા તાલુકાના નાના પોંઢા ખાતે ૧ ઓગસ્ટના દિને યોજાનાર ગરીબ કલ્યાણ મેળાની આમંત્રણ પત્રિકામાં મોટાપોંઢાના ધારાસભ્ય જીતુ ચૌધરીના નામની બાદબાકીનો મુદ્દો વધુ ગંભીર બન્યો છે. ધારાસભ્ય દ્વારા રાજ્યપાલ અને ચીફ સેક્રેટરીને રજુઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગરીબ કલ્યાણ મેળાની આમંત્રણ પત્રિકામાં મોટાપોંઢાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીના નામનો ઉલ્લેખ ન કરતા રોષે ભરાયેલા ધારાસભ્યે ગરીબ કલ્યાણ મેળાના મંડપને આગ લગાડી દેવાની ચીમકી આપ્યા બાદ જિલ્લાના વહીવટી તંત્ર પોલીસ અને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
બીજી તરફ ધારાસભ્ય દ્વારા ગુરૂવારે રાજ્યના રાજ્યપાલ, ચીફ સેક્રેટરી, વિરોધ પક્ષના નેતા સાંસદ સહિત કલેક્ટર અને પોલીસ વડાને કરાયેલ રજુ્આતમાં નાનાપોંઢા ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં નામ લખવાની સંમતિ તાલુકા વિકાસ અધિકારી દ્વારા લેવામાં આવી હતી. કાર્ડમાં સાંસદ અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે એવું સ્પષ્ટ જણાવ્યું છે. છતાં નામોની સૂચિમાં પોતે કોંગ્રેસનું પ્રતિનિધિત્વ અને મોટાપોંઢા વિસ્તારના ધારાસભ્ય હોય રાજકીય પક્ષોના ઇશારે મારી બદનામી તથા જનમાનસમાં ગેર સમજણ ફેલાવવા માટે નામની બાદબાકી કરી છે. જે ગંભીર અને દુ:ખદ બાબત છે, તેવો આક્ષેપ કરી કાર્યવાહીની માગ કરી છે.
ઉપરાંત આમંત્રિતોમાં જિલ્લા ભાજપના પ્રમુખ ઠાકોર પટેલ, ભાજપનું પ્રતિનિધિત્વ કરે છે. જેમને કાર્યક્રમમાં આમંત્રણ આપી સરકારી અધિકારીઓ માત્ર રાજકારણ, રાજકીય વ્યક્તિઓના ઇશારે કામ કરે છે તે સ્પષ્ટ થાય છે. ટીડીઓ એસ.સી. રૂપારેલ અને મામલતદાર બી. કે. પરમાર ભાજપના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. તેવી સંખ્યાબદ્ધ ફરિયાદો પણ મારી પાસે આવી છે.