મહિલાએ આપઘાત કર્યો છે કે પછી બળાત્કાર બાદ સળગાવી દેવાયાં વિશે ઘેરાયેલાં રહસ્યનાં વમળો
ઝઘડિયા તાલુકાના પાનવાડી ગામની સીમમાં શેરડીના ખેતરમાં એક મહિલાનો કોઈ જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે. મહિલાના અર્ધબળેલા અંંશોને સુરત એફએસએલમાં મોકલી આપી તેની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ઝઘડિયાના પાનવાડી ગામે રહેતાં સોમાભાઈ વસાવાનો ભત્રીજો શેરડીના ખેતરે ગયો હતો તે અરસામાં તેને એક મહિલાનો સળગાવી દીધેલો મૃતદેહ મળી આવતાં તેમણે ઝઘડિયા પોલીસને ઘટનાની જાણ કરી હતી. ખેતરમાં મહિલા ઉપર કોઈ જવનલશીલ કેમિકલ છાંટી આગ ચાંપી દીધી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. મૃત હાલતમાં મળી આવેલી મહિલાના માત્ર પગ અને હાથ જ સાબુદ મળી આવ્યાં હતાં જ્યારે શરીરનો અન્ય ભાગ બળીને ખાખ થઈ ગયો હતો.
મહિલાએ કોઈ કારણસર આત્મહત્યા કરી હતી કે પછી તેની હત્યા કરવામાં આવી છે તે અંગે રહસ્યોના વમળો સજૉયાં છે. જો કે સ્થાનિક રહિશોમાં મહિલા ઉપર બળજબરી કર્યા બાદ પુરાવાના નાશ કરવા તેના ઉપર જ્વલનશીલ કેમિકલ નાખી સળગાવી દીધી હોવાની આશંકાની ચર્ચાએ જોર પકડ્યું છે.
પોલીસે મૃતક મહિલાના અંશોને એકત્ર કરી તેના ડીએનએ માટે સુરતની એફએસએલ ખાતે મોકલી આપી હતી. નોંધનીય છે કે પોલીસે પ્રાથમિક તબક્કે ઘટનાના પગલે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. જો કે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જ મહિલાની હત્યા થઈ છે કે કેમ તેની વિગત મળશે તેમ પોલીસ ઈન્સ્પેકટર આઈ.જે.વસાવાએ જણાવ્યું હતું. ઉપરાંત મહિલાની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જણાવ્યું છે.