ઝઘડિયા તાલુકાના ડભાલ ગામનો શખ્સ ગુમ થયા બાદ મહૂડીખાંચના જંગલમાંથી એક ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતાં ચકચાર જાગી છે. બનાવના સંદર્ભે પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે તેની હત્યા કરી ગળે ટૂંપો દેવાયો હોવાનું મૃતકના પરિવારજનો માની રહ્યાં છે. પોલીસે મૃતકનું પેનલ તબીબોથી પોસ્ટમોર્ટમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના આકોટી ગામનો સુરેશ બકોર વસાવો ચાર વર્ષ પહેલાં ઝઘડિયાના ડભાલ ગામે સ્થાયી થયો હતો. જ્યાં સુરેશ તેના સાળુભાઇ સાથે રહીને ખેત મજૂરી કરતો હતો. દરમિયાન મહૂડીખાંચના જંગલોમાં એક ઝાડ સાથે પોતાની જ પેન્ટ વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની સાળી શાંતા વસાવા અને ગામના આગેવાન રતન વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલાં સુરેશ ઘઉંના ખેતરમાં પાણી વાળવા માટે ગયો હતો.
તે વેળાં ચાર શખ્સો તેને ઉઠાવી ગયાં હતાં.ે શોધખોળ બાદ પણ તેની કોઇ ભાળ નહીં મળતાં આખરે પરિવારજનોએ ઉમલ્લા પોલીસ મથકે ઘટના અંગે જાણ કરી હતી. દરમિયાન તેમને જાણ થઇ હતી કે, મહૂડીખાંચના જંગલોમાં સુરેશ વસાવાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે. જેના પગલે ત્યાં પહોંચી જોતાં સુરેશના માથાના ભાગે અને ગુપ્તાંગના ભાગે ઇજા પહોંચેલું જણાયું હતું.