ચોમાસાનો ફાયદો ઉઠાવી ઉદ્યોગો તેમના કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરી દે છે ખેડૂતો
ઝઘડિયા તાલુકાના બોરીદ્રા ગામે રસાયણયુક્ત પાણીના કારણે ખેતીને નુકસાન પહોંચતું હોવાની ફરિયાદ ગ્રામજનોએ કરી હતી.
ઝઘડિયા તાલુકામાં આવેલી ઔદ્યોગિક વસાહતમાં દિન પ્રતિદિન નવા ઉદ્યોગો સ્થપાય રહ્યાં છે. ઉદ્યોગોના કારણે ઝઘડિયાનું નામ વિશ્વ ફલક ઉપર ગુંજતું થયું છે. ઉદ્યોગોના આગમન સાથે પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે. ઝઘડિયા તાલુકામાં આવેલા કપલસાડી, બોરીદ્રા અને ગોવાલી ગામોમાં થઈ એક નાની ખાડી વહે છે.
ખાડીમાં છેલ્લા કેટલા સમયથી રસાયણયુક્ત પાણી ભળી જવાથી ગ્રામજનો ચિતિંંત બની ગયા હતાં. બે દિવસ અગાઉ થયેલા ભારે વરસાદથી ખાડી છલકાતા રસાયણયુક્ત પાણી કિનારા વિસ્તારના ખેતરોમાં ફરી વળ્યાં હતાં. રસાયણવાળા પાણીના કારણે કપાસ તથા શેરડીના પાકને નુકસાન પહોંચ્યું હતું. પાકને નુકસાન થવાથી બોરીદ્રા ગામના અનેક ખેડૂતોને આ વર્ષે પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે.
કપાસના છોડ દૂષિત પાણીથી નમી ગયા
બોરીદ્રાના ફતેસિંહ પટેલ, પ્રફુલ્લ પટેલ તથા અન્ય ખેડૂતોએ જણાવ્યું કે ચોમાસામાં વરસાદના પાણીની સાથે ઉદ્યોગો તેમના રસાયણયુક્ત પાણીનો નિકાલ કરતા હોય છે. આવા પાણી ખેતરોમાં ફરી વળતાં પાક નષ્ટ થઈ જાય છે. અત્યારે પ્રદુષિત પાણીથી અમારા ખેતરોમાં કપાસના છોડ નમી પડ્યાં છે. ખેડૂતોની અવદશા માટે જવાબદાર ઉદ્યોગો સામે પગલા ભરાવા જોઈએ તથા ખેડૂતોને વળતર આપવું જોઈએ.