નર્મદા જિલ્લાના આમલેથા ગામે આવેલી જીએસએલ ઇન્ડિયા લિમિટેડ મિલના સંચાલકોએ મશીનો વસાવવા માટે લીધેલી ૧.૩૬ કરોડની લોન ભરપાઇ નહીં કરી અને મશીનરી અન્યત્ર ખસેડી લેતાં મિલના ડાયરેકટર સહિત અન્ય વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે.
આમલેથા ખાતે આવેલી નર્મદા જિલ્લાની એક માત્ર જીએસએલ ઈન્ડિયા લિમિટેડ નામની ટેક્ષટાઇલ મિલના ડાયરેકટર આર.બી.બગરોડીયાએ જી.આઇ.આઇ.સી.- ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન પાસેથી ટેક્ષટાઇલ મશીનરી-૨૧ નંગ માટે તા. ૨૪-૧૦-૯૪ના રોજ ૧.૩૬ કરોડ રૂપિયાની લીઝ-લોન લીધી હતી.
લીઝ એગ્રીમેન્ટ કરતી વખતે કેટલાક મશીનો કંપનીમાં સહી સલામત હોવાનો અને કેટલાંક મશીનો રિપેરિંગ માટે મોકલ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
મશીનરીના લીઝ એગ્રીમેન્ટ અનુસાર લોનના નાણાં નહીં ચુકવનાર કંપનીના ડાયરેકટર આર.બી. બગરોડીયા તેમજ અન્ય સંચાલકોએ મશીનો પણ અન્યત્ર ખસેડી જીઆઇઆઇસી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી માસ્ટર લીઝ એગ્રીમેન્ટનો ભંગ કરતા જીઆઇઆઇસીના ઝોનલ ઓફિસના ડેપ્યુટી મેનેજર વિનોદકુમાર ગામિતે જીએસીએલ ઇન્ડિયા લિમિટેડ, મુંબઇની ઓફિસ, આમલેથાની મિલ અને મિલના ડાયેરકટર આર.બી.બગરોડીયા વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.