વર્લ્ડ લીડિંગ ડાયમંડ કંપનીઓ દ્વારા હીરાના ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવતાં તેમ જ કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન ઓથોરિટીએ ઝિમ્બાબ્વેને રફની નિકાસ માટે મંજુરી ન આપતા રફની અછત ઊભી થઈ છે, જેના લીધે સુરત સ્થિત હીરાઉદ્યોગકારો દ્વારા પ્રોસેસિંગ માટે કામદારોને આપવામાં આવતા રફ હીરાની સંખ્યામાં ઘટાડો થયો છે. પ્રોસેસિંગ માટે કામદારોને અપાતા રફની સંખ્યામાં ઘટાડો થતાં કામદારોના મહેનતાણામાં ઘટાડો થયો છે.
દિવાળી વેકેશન બાદ પોતાના વતન સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતથી સુરત પાછા આવનારા કામદારોને આશા હતી કે સમગ્ર દુનિયામાં પોલિશ્ડ ડાયમંડ્સની ડિમાન્ડ વધતા તેમને સારું કામ મળશે. જોકે આવું કંઈ જ થયું નહીં.
ડાયમંડ ઉદ્યોગના મોટા, લઘુ કે મીડિયમ સ્તરના યુનિટ્સ તેમની ક્ષમતાના ૪૦થી ૭૦ ટકા મુજબ જ ચાલી રહ્યાં છે. આથી કામદારોને પ્રોસેસિંગ માટે આપવામાં આવતા રફ હીરાની સંખ્યામાં ખાસ્સો એવો ઘટાડો થયો છે.
જાણકારો કહે છે કે રફ ડાયમંડ્સની તીવ્ર અછતને જોતાં નિકટના ભવિષ્યમાં આ સ્થિતિમાં સુધારો થવાની શક્યતા નથી. બીજી તરફ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રફ હીરાની કિંમતમાં ૩૦ ટકા સુધીનો વધારો થયો છે.
એક હકીકત એ પણ છે કે ડીટીસી અને અલસોરા જેવી માઇનિંગ કંપનીઓ ભારતમાં તેમના કલાયન્ટ્સને રફ હીરા વેચે છે, પરંતુ આ રફ નાના અને મીડિયમ સ્તરના હીરાઉદ્યોગકારો સુધી પહોંચતા જ નથી.આર્થિક મહામંદી બાદ ડી બિયર્સ, રિયો ટિન્ટો અને બીએચપી બલ્ટિન જેવી ડાયમંડ કંપનીઓએ રફ હીરાનું ઉત્પાદન ઘટાડ્યું છે.
હીરાઉદ્યોગકારો પણ વપિરીત પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે, ખાસ કરીને નાના અને મીડિયમ સ્તરના હીરાઉદ્યોગકારો માટે અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે. તેઓ ઇચ્છે છે કે હવે ઝિમ્બાબ્વે અને કિમ્બર્લી સર્ટિફિકેશન ઓથોરિટી વચ્ચેના વિવાદમાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે, જેથી તેમને પૂરતા પ્રમાણમાં સસ્તા ભાવે રફ હીરા મળી રહે.
- મહેનતાણું ઘટ્યું છે
દિવાળી વેકેશન બાદ હું સૌરાષ્ટ્રથી સુરત પાછા ફર્યો ત્યારે મને આશા હતી કે મને પ્રોસેસિંગ માટે પૂરતી સંખ્યામાં રફ મળશે. જોકે અત્યારે સ્થિતિ એ છે કે કામ કરતાં કામદારોની સંખ્યા વધારે છે આથી મને પ્રોસેસિંગ માટે ઓછી સંખ્યામાં રફ હીરા મળી રહ્યાં છે. આ પહેલાં હું રોજના સાડા પાંચસો રૂપિયા મેળવતો હતો, પરંતુ હવે હું માંડ સાડાત્રણસો રૂપિયા મેળવું છું.- કેતન વેકરિયા, રત્નકલાકાર