-કલેકટર સમક્ષ કંપનીએ દાખલ કરેલી અપીલ કેસની સુનાવણીમાં ચૂટાયેલા સભ્ય તરીકે શહેરની પાણી સમસ્યાના મુદ્દે દલીલો રજૂ કરશે
વલસાડ નગર પાલિકાના અબ્રામા સ્થિત ડેમમાંથી ભાડેથી પાણી ઉપાડવાના કરારની મુદ્દત પુરી થઇ જતાં ડેમ ઉપરથી મોટરો દૂર કરવા પાલિકાના સીઓના હુકમ સામે કંપનીએ કલેકટરની ર્કોટમાં અપીલ દાખલ કરી હતી. જેની સુનાવણી તા. ૨૮ ફેબ્રુઆરીએ રાખવાનો કલેકટરે સોમવારે હુકમ કરતાં પાલિકા ર્કોપોરેટરે પણ આ કેસમાં પક્ષકાર તરીકે જોડાવા તૈયારી કરી છે.
પાલિકાના માલિકીના ડેમમાંથી વાર્ષિક રૂ.પ લાખના ભાડેથી પાણી ઉપાડવા ૨૦૦૧ની સાલમાં નાઇટ્રેક્સ કંપનીએ કરાર કર્યો હતો.જેની મુદ્દત તા.૩૧ ડિસેમ્બરે પુરો થઇ જતાં પાલિકા પ્રમુખ રાજુ પટેલ (મરચા)એ કરાર રીન્યુ ન થાય ત્યાંસુધી પાણી બંધ કરવા મોટરો દુર કરાવવા સીઓને લેખિત હુકમ કર્યો હતો.પરિણામે સીઓ કીરીટ પટેલે નાઇટ્રેક્સને તા. ૩ ફેબ્રઆરીએ ડેમ ઉપરથી મોટરો અને અન્ય સાધન સામગ્રી દુર કરવાનો હુકમ કર્યો હતો. જેની સામે કંપનીએ કલેકટર એલ.સી.પટેલ સમક્ષ અધિનિયમ ૨પ૮ હેઠળ અપીલ દાખલ કરી હતી.કલેકટરે આ કેસમાં તા. ૨૮ ફેબ્રુઆરીએ સુનાવણી રાખવાનો હુકમ કર્યો હતો.જેમાં પાલિકા અને કંપની મળી બંન્ને પક્ષકારોને હાજર રહેવા તાકીદ કરવામાં આવી હતી.આ કેસમાં પાલિકાના મોગરાવાડીના અપક્ષ ર્કોપોરેટર ઝાકીર પઠાણે પક્ષકાર બનવાની તજવીજ હાથ ધરી છે.