વાંસદા તાલુકાની પ્રાથમિક શાળામાંથી ચોરાયેલા કમ્પ્યૂટરના ચોરટાઓ પોલીસની પહોંચ બહાર હતા પરંતુ વાંસદા પીએસઆઈ એમ.વી. ગરાસિયાએ બે શકમંદોને પકડી સઘન પૂછપરછ કરતા હાલ પાંચ આરોપી પકડાયા હતા. તેમની પાસે પ્રા.શાળામાંથી ચોરાયેલ કમ્પ્યૂટરનો ભેદ ઉકેલાયો હતો. બાદમાં રિમાન્ડ દરમિયાન વધુ બે પ્રાથમિક શાળાઓમાંથી ચોરાયેલ કમ્પ્યૂટરમાં પણ ઉપસવાળી ગેંગનો જ હાથ હોવાનું બહાર આવ્યું છે.
વાંસદા તાલુકાના ઉપસળ દુકાન ફળિયાના બે શકમંદોને પકડી કડક પૂછપરછ કરતા વાંસદા પોલીસે પાંચ આરોપી અનિલ રસિક પટેલ, સતીષ રસિક પટેલ, ધર્મેશ નટુભાઈ પટેલ, નિલેશ પંકજ પટેલ, સંજય નરેશ પટેલને પકડી પૂછપરછ કરી હતી. આ દરમિયાન એક કમ્પ્યૂટર વાંસદા જુની કંસારા લાઈનમાં ભરત પ્રજાપતિને વેચેલ હોવાનું જણાવતા તે કમ્પ્યૂટર કબજે કરી ભરતની અટક કરી અને બાદમાં આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછ કરાઈ હતી.
પાંચે આરોપીઓ પૈકી દોલધા પ્રાથમિક શાળામાંથી ચોરાયેલ કમ્પ્યૂટરની ચોરીમાં પોતાનો હાથ હોવાનું સતીષ પટેલ તથા સંજય નરેશ પટેલે કબૂલ્યું હતું. આ કમ્પ્યૂટર નિલેશભાઈ બકુલભાઈ સોની (રહે.વાંસદા)ને વેચ્યું હોવાનું તથા ઢોલુમ્બર પ્રા.શાળામાંથી ચોરાયેલ R ૧૦૦૦ના કમ્પ્યૂટર સેટની ચોરી પાંચ પૈકીના સંજય નરેશ પટેલ, સતીષ રસીકભાઈ પટેલ તથા નિલેશ પંકજભાઈ પટેલએ કરી હોવાનું કબૂલાત કરી હતી. આ ગુના હેઠળ ધરપકડ કરી તેમની પાસે પણ કમ્પ્યૂટર વાંસદા કંસારા લાઈનના નિલેશ બકુલભાઈ સોનીએ ખરીદેલું હોય તેની પાસેથી કમ્પ્યૂટર કબજે લઈ તેની અટક કરી છે. આ સાથે અન્ય ચોરીના ગુના ઉકેલવાની પોલીસે શક્યતા દર્શાવી હતી.