વલસાડ અને વાપી વિસ્તારમાં કેળાના જથ્થાબંધ વેપારી દ્વારા ઇથિથોન જેવા કેમિકલનો કેળા પકવવા માટે ઉપયોગ થતો હોવાની ઉજાગર થયેલી વાતને લઈને વાપી પાલિકા તેમજ વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી વાપીનાં એક વેપારી પાસે ત્રણ ટન જેટલાં કેળાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
વલસાડ તેમજ વાપી પંથકમાં કેળાના વેપારીઓ દ્વારા ઇથિથોન જેવા કેમિકલનો ઉપયોગ કરી કેળા પકવાતા હોવાનો દિવ્ય ભાસ્કરના એક્સકલુઝીવ અહેવાલમાં ઘટસ્ફોટ થયા બાદ ગુરૂવારે તંત્ર હરક્તમાં આવ્યું હતું. જેનાં પગલે વાપી પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. વાપી પાલિકાના સેનેટરી ઇન્સપેક્ટર ચેતન પરમાર અને વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સપેક્ટર જે.બી. મીઠાવાળાએ ગુરૂવારે બપોરે સરદાર માર્કેટ સ્થિત જયસ્વાલ ફ્રૂટ કંપનીમાં છાપો માર્યો હતો.
આ દુકાનમાં ઇથિથોન કેમિકલથી પકાવવા મૂકેલા ત્રણ ટન કેળાનો જથ્થો જપ્ત લેવાયો હતો. જોકે પાલિકાની ટીમ અન્ય દુકાનો પર છાપો મારે તે પૂર્વે જ દુકાનમાલિકો શટરને તાળા મારી ફરાર થઇ ગયા હતા. વાપી વિસ્તારમાં ગુરૂવારે થયેલી કાર્યવાહી બાદ કેમિકલથી પકવવામાં આવતા કેળાનાં ધંધા સાથે સંકળાયેલા વેપારીઓમાં સન્નાટો વ્યાપી ગયો હતો. જો કે, વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વલસાડમાં આવી કોઈ કાર્યવાહી નહીં કરી તે આશ્ચર્ય પમાડે તેવી વાત છે.
વાપીમાં પણ માત્ર છીંડે ચઢ્યો તે ચોર જેવાં ઘાટ થયા છે. જેમાં માત્ર એક જ વેપારીને ત્યાંથી ત્રણ ટન કેળાનો જથ્થો પાલિકાએ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી છે. જો કે, બીજા કોઈ વેપારી ગુરૂવારની આ કાર્યવાહીમાં કેમ નહીં સપડાયા તે વાત શંકા પ્રેરે તેવી છે.
કેળાં પકવવા સરકાર બીજું ઓપ્શન આપે
જયસ્વાલ ફ્રૂટ કંપનીના માલિક અંકુશ જયસ્વાલે કહ્યું કે વર્ષોથી કેમિકલમાં બોળીને કેળા પકવવામાં આવે છે. આ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. જો કેળા ઝાડ પર પકવવામાં આવે તો તેમાં જીવાત પડી જવાથી તે ખાવા લાયક રહેતા નથી. આ ઉપરાંત કેળાની લૂમને કોઇપણ જાતની પ્રોસેસ વીના ખુલ્લામાં રાખી મૂકવામાં આવે તો કેળા સૂકાઇ જશે. પણ પાકશે નહીં. જો સરકાર કેળા પકવવા માટે બીજું કોઇ ઓપ્શન આપે તો કેમિકલથી કેળા પકવવાનું બંધ કરાશે.
૬૦ લિટર પાણીમાં ૩૦ એમ.એલ. કેમિકલ
કેળાને પકવવા માટે ૬૦ લીટર પાણીમાં ૩૦ એમ. એલ. ઇથિથોન મેળવી આ દ્રાવણમાં કેળાની લૂમ બોળી કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવામાં આવતી હોય છે. કોલ્ડ સ્ટોરેજમાં આ કેળા બે દિવસમાં પાકી જતા હોય છે.