-હિમ જેવી ઠંડી ઘઉંના પાકને ફાયદો કરાવશે
-વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી ઘઉંના વાવેતરમાં મબલખ પાક ઉતરવાની ખેડૂતોને આશા
ભરૂચ અને નર્મદામાં ગગડી રહેલાં ઠંડીના પારાએ જિલ્લાવાસીઓને ભલે થીજવી દીધાં હોય પરંતુ ઘઉંના વાવતેર કરતાં ખેડૂતોના ચહેરાઓ પર સ્મિત રેલાવી દીધું છે. બંને જિલ્લાઓમાં મળી ૨પ હજારથી વધારે હેકટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હોવાથી મબલખ પાક ઉતરવાની ગણતરીઓ મંડાઇ રહી છે.
હિમાલયની પર્વતમાળામાં થઇ રહેલાં ભારે હિમવર્ષાના કારણે રાજયમાં છેલ્લા બે દિવસમાં વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે જેના કારણે રાજયભરમાં શીતલહેર ફરી વળી છે. જેમાં ભરૂચ તથા નર્મદા જિલ્લામાં પણ તાપમાનનો પાર ૧૦ ડિગ્રીની નીચે ચાલ્યો ગયો છે. ઠંડા વાતાવરણના કારણે ઘઉંના પાકને મહત્તમ ફાયદો પહોંચી રહયો છે.
ભરૂચ જિલ્લામાં ૨૧૧૮૩ હેકટર જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. ભરૂચમાં વાગરા અને જંબુસર તાલુકામાં ખેડૂતો સૌથી વધારે ઘઉંનું વાવતેર કરે છે જયારે નર્મદા જિલ્લામાં ૪ હજાર હેકટર જમીનમાં ઘઉંની ખેતી કરવામાં આવે છે.
છેલ્લા ઘણા સમયથી ઠંડી બરાબર પડતી નહિ હોવાથી ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી હતી. તાપમાનનો પારો ૩૩ ડીગ્રી સુધી પહોંચી જતાં ઉનાળાના આગમનના સંકેતો મળવા લાગ્યાં હતાં પરંતુ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતાં તાપમાનનો પારો ગગડીને ૧૦ ડિગ્રીથી પણ નીચો ચાલ્યો જતાં ખેડૂતોની કિસ્મત ખુલી ગઇ છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં ૨પ હેકટરથી વધારે જમીનમાં ઘઉંનું વાવતેર કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે ઘઉંનો મબલખ પાક ઉતરવાની શકયતાઓ પ્રબળ બની છે.
નીચું તાપમાન ઘઉંના પાકને માફક
ભરૂચના કપાસ સંશોધન કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક ર્ડા. વી.આઇ. પટેલે જણાવ્યું હતું કે, ૧૦ ડિગ્રીથી નીચેનું તાપમાન ઘઉંના પાકને એકદમ માફક આવે છે. ઠંડા તાપમાનમાં ઘઉંના પાકમાં વૃધ્ધિની પ્રક્રિયા ઝડપી બની જાય છે. પરંતુ જો તાપમાન પ ડિગ્રીથી નીચે જાય તો તમામ પાકને નુકશાન થવાની શકયતા પણ નકારી શકાય તેમ નથી.