ભરૂચ શહેર તથા જિલ્લામાં ઠંડીનું જોર નરમ પડતાં તાપમાનનો પારો ૨ ડિગ્રી ઉંચે ચઢી ૧૧.૪ ડિગ્રીએ સ્થિર થયો હતો. પવને પણ દિશા બદલતાં છેલ્લા બે દિવસથી ફરી વળેલી શીતલહેરમાંથી જિલ્લાવાસીઓને આંશિક રાહત મળી હતી.
ઉત્તર ભારતમાં વાતાવરણમાં આવેલાં અચાનક પલટાથી દેશભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહયો છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ તાપમાનનો પારો ગગડીને ૯.૬ ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો ઠંડીમાં ઠુઠવાઇ ગયાં હતાં. કાતિલ ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.ખાસ કરીને સવારે શાળાએ જતાં છાત્રોની હાલત કફોડી બની ગઇ હતી. સવારે મિોન્ર્ાંગાંગ વોક માટે નીકળતાં લોકોની સંખ્યા પણ ઠંડીના માહોલમાં ઓછી જોવા મળી હતી.
છેલ્લા બે દિવસથી વાયવ્ય દિશામાંથી ૮.૬ કિમીની ઝડપે ફૂંકાતાં પવનોથી શીતલહેર ફરી વળી હતી. શુક્રવારે પવનનું જોર નરમ પડતાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો હતો. શુક્રવારે ભરૂચ શહેરનું તાપમાન ૧૧.૪ ડિગ્રી નોંધાયું હતું જ્યારે પવનની ગતિ ૭.૮ કિમી રહી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૨ ટકા નોંધાયું હતું. ઠંડીના કારણે ઘઉંના પાકને ફાયદો પહોંચી રહયો હોવાથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.