વલસાડ પાલિકાની કારોબારી સમિતિના વિવાદ વચ્ચે સત્તાધારી પક્ષે સાત સમિતિઓના ચેરમેનોને તેમના વિભાગનો હવાલો સોંપી દીધો હતો. કારોબારી સમિતિના વિવાદી પ્રકરણ અને છેલ્લી સભાની કાર્યવાહીનો કેસ કલેક્ટર સમક્ષ ચાલી રહ્યો હોવા છતાં સમિતિઓના ચેરમેનો ચાર્જ હસ્તગત કરી લેતાં પાલિકા વર્તુળમાં શાસક પક્ષના વલણ સામે આશ્ચર્ય ફેલાયુ છે.
પાલિકામાં છેલ્લા દોઢ મહિનાથી કારોબારી સમિતિના મુદ્દે બખેડો ઉભો થતાં આ પ્રકરણ કલેક્ટર સમક્ષ ઉભુ છે દરમિયાન તા.૧૯ જુલાઇના રોજ શાસકપક્ષે તમામ સમિતિઓની રચના કોંગ્રેસી સભ્યોના ટેકાથી બહુમતિ વડે સંપન્ન કરી દીધી હતી.
આ પ્રકરણ પણ કલેક્ટરની કોર્ટમાં ચાલી રહ્યુ છે. પરંતુ સમિતિઓના ચેરમેનોને તેમના વિભાગનો હવાલો પ્રમુખ જનક ભાનુશાલી, ઉપપ્રમુખ કિન્નરી દેસાઇ, કારોબારી ચેરમેન સોનલ સોલંકીની ઉપસ્થિતિમાં સોંપી દેવામાં આવ્યો હતો. જે અંતર્ગત વોટરવર્કસ કમિટિના ચેરમેન પ્રતાપ ઠાકુર, ડ્રેનેજ ધર્મિન શાહ, હોસ્પિટલ કમિટી નિતેશ વશી, ટીપી પ્રશાંત દેસાઇ, ફુન્ડ શોપ્સ કીકુ રાઠોડ, લાઇટ એન્ડ ફાયર દિનેશ પટેલ અને કાયદા સમિતિના ચેરમેન કૌશિક માકડીયાએ ચાર્જ લીધો હતો. જેમાં કોંગ્રેસના કીકુ રાઠોડને પણ ભાજપે એક સમિતિના ચેરમેન પદનું તાસક આપતા સત્તાધારી પક્ષના કેટલાક સભ્યોમાં કચવાટ સંભળાઇ રહ્યો છે.