નૂતનવર્ષ વિક્રમ સંવત ર૦૬૮ ની ભરૂચ અને નર્મદા જિલ્લાવાસીઓએ સગાસંબંધી, મિત્રો, સ્નેહીજનો અને એકમેકને નૂતનવર્ષાભિનંદનની શુભકામનાઓ પાઠવી આનંદોત્સવ અને આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરી હતી. શુક્રવારે બીજા દિવસે ભાઇ અને બહેનનાં પવિત્ર પર્વ ભાઇબીજની ઉજવણી કરવામાં આવી હતી. નવા વર્ષની શુભેચ્છા પાઠવી લાગણીનો ધોધ વરસાવી લોકોએ નવા વર્ષને ઝાકમઝોળ કરી દીધું હતું.
હિંદુઓનાં મોઘેરા અને સર્વપ્રિય તહેવાર દિપોત્સવની ભરૂચ અને નર્મદા જિલ્લાવાસીઓએ શાનદાર ઉજવણી કરી હતી. વિદાય લેતાં વિક્રમ સંવત ર૦૬૭ નાં અંતિમ દિને અબાલ વૃધ્ધ, ગરીબ, તવંગરના ભેદભાવ ભૂલી એક સરખી ઉત્સુકતા અને આતશબાજીની છોળો વચ્ચે નવલાં વર્ષને ઉમળકાભેર આવકાયુ હતું. વેપારીઓએ ચોપડા પૂજન કરી નવલું વર્ષ સારૂ નિવડે તેવી આશાઓ સેવી હતી.
નૂતન વર્ષ વિક્રમ સંવત ર૦૬૮નાં પહેલા સૂર્યોદય સાથે જ ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, જંબુસર, આમોદ, કેવડિયા, સેલંબા, ઝઘડિયા, વાગરા, વાલિયા, તિલકવાડા, દેડિયાપાડા, હાંસોટ, પાલેજની પ્રજાએ એકમેકને નવા વર્ષનાં શુભઆશિષ સાથે સ્નેહીજનો, મિત્રો, સગાસંબધીને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા. વેહલી સવારથી જ શહેર અને જિલ્લામાં સાજ શણગારથી સજ્જ દેવ મંદિરોમાં નવા વસ્ત્રો પરિધાન કરી લોકોએ નવું વર્ષ સુખમય, સમૃધ્ધ, આરોગ્યપ્રદ અને લાભદાયી રહે તે માટે પ્રભુદર્શન કરી પ્રાર્થના કરી હતી.
શહેરનાં મુખ્ય માર્ગો અને દેવ મંદિરો ભારે જનમેદનીથી છલકાઇ ઉઠયાં હતાં. દુર વસતાં સ્નેહીજનો, મિત્રો અને સગાવહાલાને ટેલિફોન, મોબાઇલ, એસ.એમ.એસ., ઇ-મેઇલ દ્વારા શભેચ્છાઓની વર્ષા નગરજનોએ પાઠવી હતી. ભાઇ બહેનનાં પવિત્ર પર્વ ભાઇબીજની બહેને ભાઇની આગતા સ્વાગતા કરી લાગણીસભર ઉજવણી કરાઇ હતી.
હરો, ફરો અને જલસા કરોના મૂડમાં શહેરીજનો
દિવાળી, નૂતનવર્ષ અને ભાઇબીજનાં તહેવારોમાં વેકેશનની રંગત વચ્ચે બસો, ટ્રેનોમાં ભારે ભીડ રહી હતી. શાળા - કોલેજો, સરકારી કચેરીઓ, ઓફિસોમાં રજા હોય તહેવારોની ઉજવણી કરવા લોકોનાં ઘસારાથી ટ્રેનો છલકાઇ ઉઠી હતી. ભરૂચ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશને ચીક્કાર મેદની જોવા મળી હતી. લોકોને ટ્રેનો અને બસોમાં જગ્યા ન મળતાં ખાનગી વાહનો અને ટ્રાવેલ્સનો સહારો લેવાની નોબત આવી હતી. નૂતનવર્ષની સાંજથી શહેર - જિલ્લાની હોટલો, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારીઓ, મલ્ટીપ્લેક્ષ સિનેમાઘરોમાં પણ લોકો ખાવો પીવો અને જલસા કરોનાં મૂડમાં આવી જઇ તડાકો બોલાવ્યો હતો.
સોમવારથી ભરૂચ શહેર પુન: ધમધમતું થશે
લાભ પાંચમના દિવસે મુહૂર્ત કરી વેપાર ધંધા, ઓફિસો શરૂ કરવાની પ્રણાલિકાના કારણે બેસતા વર્ષે બપોર બાદથી શહેરના ધમધમતાં વિસ્તારો અને બજારો સુમસામ ભાસી રહયાં છે. સોમવારે લાભ પાંચમથી વેપાર ધંધા પુન: ધબકતા થઇ જશે. જૈનો દ્વારા જ્ઞાનની આરાધનાનાં સર્વશ્રેષ્ઠ પર્વ જ્ઞાનપંચમીએ સરસ્વતી આરાધના કરાશે.