ઉપસ્થિત જનમેદની વચ્ચે છડીને નચાવતા અનેરો માહોલ સર્જાયો
ભરૂચ શહેરમા શ્રાવણમાસમાં સાતમથી દશમ સુધી ભોઇ જ્ઞાતિ દ્વારા સૈકાઓથી ઉજવાતાં છડીનોમ અને મેઘરાજાનાં ઉત્સવ - લોકમેળાનો આજે બુધવારથી રંગેચંગે પ્રારંભ થયો હતો.
સમગ્ર ગુજરાતમાં માત્ર ભરૂચ શહેરમાં જ ઉજવાતા છડી અને મેઘરાજાનાં ઉત્સવ - મેળામાં રાજ્યભરમાંથી માનવ મહેરામણ ઉમટી પડી મેળાની રંગત માણી ખાણીપીણી અને ખરીદીનો લ્હાવો લે છે. પાંચબત્તીથી સોનેરીમહેલ સુધી અંદાજે ર૦૦ વર્ષથી પણ વધુ સમયથી ભરાતાં મેળામાં પ્રારંભેજ સમીસાંજે હજારોની જનમેદની ઉમટી પડતાં કિડીયારૂ ઉભરાયું હતું.
મેળાને પગલે સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ પર પણ ભારે ભીડ જોવા મળી હતી. મેળામાં ૧ર૦ થી વધુ સ્ટોલ અને ૩૦૦ થી વધુ પથરાયેલા પાથરણાઓ પર રાજ્યભરમાંથી ઉમટી પડેલા પરિવારોએ તેમની કલાકારીગરી, હાથ બનાવટની વસ્તુ, રમકડાં, ગૃહ સુશોભન સામગ્રી સહિત અવનવી ચીજવસ્તુઓ ખડકી દઇ મેળાની રંગત જમાવી હતી. પરપ્રાંતિય સહિત જિલ્લાની પ્રજા આ મેળામાં તેમનાં દ્વારા બનાવેલ ચીજવસ્તુનું વેચાણ કરી તેમાંથી ઉપજેલી આવકમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. વર્ષ દરમિયાન આ પ્રજા રાજ્યભર અને અન્ય રાજ્યોમાં ઉમટી આવતાં ઉત્સવો અને મેળામાં તેમની કલાકારીગીરી થકી બનાવેલ ચીજવસ્તુઓનું વેચાણ કરે છે.
આજે સાતમનાં દિવસે જ ભરૂચ શહેર સહિત જિલ્લા અને રાજ્યભરમાંથી લોકોએ મેળાનાં રંગે રંગાયેલ જોવા મળ્યું હતું. મેળામાં ભરાયેલ ચકડોળો, ખાણીપીણી, રમકડાં સહિતની અવનવી ચીજવસ્તુનાં સ્ટોલો અને પાથરણાવાળાઓ પર લોકોએ ખુશીથી મનમૂકીને ખરીદી કરી મેળામાં મોજમાણી હતી.
મેઘરાજાનાં દર્શન અને છડીનાં દર્શનાર્થે પણ ભારે ભીડ જામી હતી. ઉત્સવો અને મેળાની રંગે રંગાયેલા ભરૂચ શેર ઝગમગતી રોશનીથી ખીલી ઉઠ્યું હતું.બીજી તરફ લોકોએ ટાઢુ ખાઈ શીતળા સાતમની ઉજવણી કરી હતી. દરમિયાનમાં સવારના અરસામાં શહેરની ભોય સમાજ દ્વારા છડીનું વિધિવત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત વિશાળ જનમેદની વચ્ચે છડીને નચાવવામાં આવી હતી.
વિવિધ મંદિરોમાં રોશની
જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને ભરૂચ શહેર અને જિલ્લામાં શ્રીકૃષ્ણના મંદિરો સહિત અન્ય દેવાલયોમાં રોશની કરવામાં આવી હતી. અષ્ટમીની પૂર્વ સંધ્યાએ દેવ મંદિરોમાં દર્શન માટે શ્રધ્ધાળુઓની ભીડ જામી હતી. લોકો પંજરી અને રતાળાની પુરીને આરોગશે.