વીવર્સે નવા નિયમો અમલમાં મુક્તાં વેપારીઓ નારાજ છે, ખાસ કરીને લેટ પેમેન્ટના સંજોગોમાં ૨૪ ટકા વ્યાજના નિયમને તેમણે અવ્યવહારુ અને અયોગ્ય ગણાવ્યો છે. એ સિવાય પાંચ દિવસમાં તમામ પેમેન્ટ ચૂકવવાની શરતનો અમલ કરવા પણ વેપારીઓ તૈયાર નથી. આથી સવાલ ઊભો થાય છે કે ટેક્સટાઇલ માર્કેટમાં રોકડ ધંધો કરવો શક્ય જ નથી. આ મામલે વેપારીઓમાં મતભેદ છે.
કેટલાક લોકો આ નવા નિયમોની તરફેણ કરતાં કહે છે કે આનાથી માર્કેટમાં ઉધારીમાં ધંધો કરવાનું દૂષણ દૂર થશે. રોકડમાં ધંધો કરવાના લીધે ઉઠમણાંની સમસ્યાનો પણ અંત આવી શકે છે.
ટેક્સટાઇલના અનેક વેપારીઓ કહે છે કે માર્કેટમાં ઉઠમણાંના વધતા જતાં કિસ્સા પર અંકુશ મૂકાય એ માટે જરૂરી છે કે રોકડમાં વ્યવહાર કરવાનો સિલસિલો શરૂ કરવામાં આવે.
સુરતના વેપારીઓ જ્યારે મુંબઇમાં કે અન્યત્ર વેપાર કરવા જાય છે તો તેમણે રોકડમાં જ ધંધો કરવો પડે છે. ટેક્સટાઇલ માર્કેટના આધારભૂત સૂત્રો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે મોટાગજાના વેપારીઓ જ નથી ઇચ્છતાં કે માર્કેટમાં રોકડમાં વ્યવહાર શરૂ થઈ જાય, કેમકે આ લોકોએ પોતાની મોટા ભાગની મૂડી જમીન, શેરબજાર અને સોનાંમાં રોકી છે, ત્યાંથી મળતા રિટર્ન દ્વારા તેઓ પોતાનો રોજિંદો વેપાર અને પરિવારનું ગુજરાન ચલાવે છે અને ટેક્સટાઇલ માર્કેટમાં બીજાના પૈસે એટલે કે ઉધારી પર ધંધો કરે છે. આવા વેપારીઓના લીધે જ બજારમાં લિક્વિડિટીની સમસ્યા ઊભી થઈ છે અને લાંબો સમય સુધી લોકોના પેમેન્ટ અટવાઈ રહે છે.
- ઉઠમણાં થાય જ નહીં
‘હું પોતે મોટાભાગનો વ્યવહાર રોકડમાં કરું છું. જો રોકડ અને ઉધારીની ગણતરી કરવામાં આવે તો વેપારી જાણી જશે કે રોકડમાં જ ધંધો કરવો હિતાવહ છે. રોજનું રોજ પતી જાય એમાં માનસિક શાંતિ પણ જળવાઈ રહે છે અને લિક્વિડિટીની સમસ્યા પણ સર્જાતી નથી.’- હરેશ લાલવાણી, વેપારી