વાપી કોપરલી માર્ગ ઉપર આશાધામ સ્કૂલની સામે શુક્રવારે રાત્રે સ્કોર્પિયોમાં અચાનક ધુમાડા સાથે આગ ફાટી નીકળી હતી. જો કે, ચાલક અને અન્ય સવાર ઈસમો બહાર નીકળી જતા બચાવ થયો હતો. આગથી કોપરલી માર્ગ પર દોડધામ મચી ગઈ હતી.
ટાઉનમાં રહેતા રૂપેશસિંહ શુક્રવારે રાત્રે આઠ વાગ્યાના સુમારે પોતાની સ્કોર્પિયો કાર નં.જીજે-૧૫-બીબી-૪૧૦૪ લઇને ચણોદની ફેક્ટરીમાં જઇ રહ્યાં હતા. વાપી કોપરલી માર્ગ ઉપર આશાધામ સ્કૂલની સામે અચાનક કારના બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. કારના ચાલક રૂપેશસિંહે તાત્કાલિક કારને થોભાવી દઇને બોનેટ ખોલવાના પ્રયાસ કરતા જ આગ ફાટી નીકળી હતી. ખુબ જ ટૂંકાગાળામાં આગે મોટું સ્વરૂપ લઇ લેતા ડિઝલ કાર ભડભડ સળગી ઊઠી હતી.
પાલિકાના ફાયર બિગ્રેડને જાણ કરાતા આગ કાબુમાં લેવાઇ હતી. આગ લાગતા પૂર્વે જ કારનો ચાલક અને તેનો મિત્ર નીચે ઊતરી જતા કોઇ જાનહાની થઈ ન હતી. ફાયર બિગ્રેડના સૂત્રોના જણાવ્યા મુજબ એન્જિનમાં વધારે પડતી ગરમી થતા કારનું બોનેટ સળગી ઉઠ્યું હતું. આગના બનાવે કોપરલી માર્ગ પર દોડધામ મચી ગઈ હતી.