અંધારાનો લાભ લઇ ભાગી છુટયો હોવાનું એફઆઇઆરમાં પોકળ કારણ પોલીસે જણાવ્યું
વલસાડની ડુંગરી પોલીસે માલવણ ગામમાં મોટા ગજાના બુટલેગર ગણાતા એવા શખસને ત્યાં રેડ પાડી હતી. પરંતુ આ બુટલેગરને પોલીસે ભાગવાની તક આપી હોય એવી ચર્ચાઓ ગામમાં ચાલી રહી છે. જેની પાછળ ઠોસ કારણ હોવાનુ ગ્રામજનો જણાવી રહ્યા છે.
આજ ડુંગરી પોલીસે બીજા બનાવમાં શ્રમજીવી પરિવારની ત્રણ મહિલા બુટલેગરોને નજીવા દારૂના જથ્થા સાથે ઝડપી પાડી પોતે જ પોતાની પીઠ થાબડી રહી છે. જ્યારે મોટી રકમનું સેકશન ભરતા બુટલેગરોને પોલીસ પૂરતી સવલતો જરૂર પૂરી પાડતી હોય એવુ આ ઘટના ઉપરથી બહાર આવ્યુ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દારૂના ધંધામાં ખાખી વર્દી અને બુટલેગરોની જુગલબંધી હોવાના નાતે ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. પોલીસના આશીર્વાદ વિના વલસાડમાં દારૂનુ એક ટીપું પણ વેચી શકાય તેમ નથી. ખાખી વર્દી અને બુટલેગરોની દોસ્તી ગાઢ હોવાનો વધુ એક કિસ્સો ડુંગરી પંથકમાં પ્રકાશમાં આવ્યો છે. ડુંગરી પીએસઆઇ એન. કે. કામલીયાએ પોતાની ફરજના ભાગરૂપે ડુંગરીના માલવણ ગામે બુટલેગર રામદાસ ડાહ્યાભાઇ કો. પટેલના ઘરે રેડ પાડી હતી. પરંતુ એવું ચર્ચાય છે કે, બુટલેગર સાથે પોલીસે જ સાઠગાંઠ કરી તેને ભાગવાનો રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો.
માલવણમાં રામદાસ મોટો બુટલેગર તરીકે ગણાય છે. જ્યારે બીજીતરફ પોલીસે એફઆઇઆરમાં હાસ્યાસ્પદ ગણાય એવું કારણ દર્શાવ્યુ હતુ કે, અંધારાનો લાભ લઇ બુટલેગર રામદાસ ફરાર થઇ ગયો.પોલીસે ફરજની સાથે સાથે બુટલેગર સાથેની દોસ્તી પણ નિભાવવાની હોવાથી નરો વા કુંજરો વા કરી ઘટના ઉપર પડદો પાડી દીધો છે. જોકે આ રેડ દરમિયાન રામદાસના ઘરેથી ૫૮૫ નંગ દારૂની બોટલ મળી આવી હતી. જેની કિંમત R ૨૯,૨૫૦ થઇ હતી.
બુટલેગર રામદાસ આ બનાવમાં પોલીસની નજર સામે જ આબાદ ફરાર થઇ ગયો હતો. જ્યારે બીજા બનાવમાં ડુંગરી પોલીસે ઓવરબ્રીજ પાસેથી સુરતની ત્રણ મહિલા બુટલેગરોને R ૭૨૦૦ ના દારૂના જથ્થા સાથે ધરપકડ કરી જેલમાં ધકેલી દીધી હતી. જેના ઉપરથી પોલીસની મોટાગજાના બુટલેગર ઉપરની રહેમનીતિ પુરવાર થાય છે. જેની ચર્ચા પંથકમાં ચાલી હતી.