પહેલાથી એક બિનહરીફ જીતનાર ભાજપે વધુ પાંચ બેઠક મેળવી, કોંગ્રેસને ફાળે ત્રણ
વલસાડ નગરપાલિકાના ભાજપના નવ સભ્યોને પક્ષાંતરધારા હેઠળ સભ્યપદેથી દૂર કરાયા બાદ ખાલી પડેલી આ બેઠકો પૈકી આઠ બેઠકોની મંગળવારે યોજાયેલી પેટાચૂંટણીનું ગુરૂવારે પરિણામ જાહેર થતાં ભાજપે પાંચ બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો. જ્યારે ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. ચૂંટણી અગાઉ ભાજપે વોર્ડ નં.૨ની બેઠક બિનહરીફ કબજે કરતા ભાજપના વિજેતા ઉમેદવારોની સંખ્યા છ થઇ છે. જોકે ધાર્યા મુજબનું પરિણામ નહિ આવતાં ભાજપની છાવણીમાં નિરાશાની લાગણી જોવા મળી હતી.
પાલિકાની પેટાચૂંટણીની મતગણતરી સવારે નવ વાગ્યે ચૂંટણી અધિકારી અને સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્રના નાયબ કલેક્ટર ડી.યુ.પટેલ તથા એઆરઓ આર.સી. લિંબાચીયાની દેખરેખ હેઠળ પાલિકાના સભાગૃહમાં હાથ ધરાઇ હતી. વોર્ડ નં.૭ ની એક બેઠકની ગણતરી સંપન્ન થતાં કોંગ્રેસના સંજયરાવ ચૌહાણે પ્રતસ્પિધીઁ ભાજપના સુનિલ યાદવને ૨૬૮ મતથી પરાજય આપતા કોંગ્રેસે વિજયનું ખાતુ ખોલાવ્યુ હતું, પરંતુ ત્યારબાદ વોર્ડ નં.૯માં ભાજપના મનિષાબેન પટેલ, વોર્ડ નં.૧૦ આશિષ દેસાઇ અને ડૉ.પુષ્પા ઓઝા, વોર્ડ નં.૧૨ બ્રિજેશસિંહ સોલંકી તથા વોર્ડ નં. ૧૩માં વિનોદ શર્મા મળી પાંચ બેઠકના પરિણામ ભાજપની તરફ આવતાં કાર્યકર્તાઓમાં આનંદોલ્લાસ છવાઇ ગયો હતો.
દરમિયાન અબ્રામા ઝોનના વોર્ડ નં.૧૪ની બે બેઠકોની મતગણતરીના અંતે આ બન્ને બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર કૃષ્ણકાંત દેસાઇ અને શૈલેષ પટેલનો વિજય થતાં કોંગ્રેસની છાવણીમાં ખુશીની લહેર ફરી વળી હતી. પરિણામ જાહેર થયા બાદ શહેર ભાજપ પ્રમુખ હર્ષ દવે, મહામંત્રી જીજ્ઞેશ મહેતા, મંત્રી હિતેશ રાણા, માજીપ્રમુખ જનક ભાનુશાલી સહિત ભાજપના કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો. જ્યારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ ઉર્ફે ભોલા પટેલ, પાલિકાના કોંગ્રેસના સિનિયર સભ્ય ગીરીશ દેસાઇ, શહેર પ્રમુખ અલ્કેશ દેસાઇ અને કોંગી કાર્યકરોએ પણ વિજય સરઘસ કાઢી ફટાકડાની ધણધણાટી બોલાવી હતી.
ભાજપની ત્રણ બેઠકો કોંગ્રેસે છીનવી લીધી
પાલિકામાં અગાઉ ભાજપનું સંખ્યા બળ ૨૩ જેટલુ હતુ. જ્યારે કોંગ્રેસના આઠ સભ્યો હતા. ભાજપે તેના નવ સભ્યો સસ્પેન્ડ કર્યા બાદ પક્ષાંતરધારા હેઠળ તેઓ ગેરલાયક ઠરતાં આ પેટાચૂંટણી આવી પડી હતી. જેમાં ભાજપને નવમાંથી છ બેઠકો મળતા ત્રણ બેઠકો માઇનસ થઇ છે. જ્યારે કોંગ્રેસે ભાજપની ત્રણ બેઠકો આંચકી લેતાં તેનું સંખ્યાબળને આઠ પરથી વધીને ૧૧ થઇ ગયુ છે. અબ્રામા વોર્ડ નં.૧૪ અને મોગરાવાડી વોર્ડ નં.૭ માં ભાજપનું વર્ચસ્વ તોડી કોંગ્રેસે આ ત્રણ બેઠકો કબજે કરી છે.
વોર્ડ નં.૧૩ માટે ફેર ગણતરી કરાઇ
વલસાડ પાલિકાની પેટા ચૂંટણીની વોર્ડ નં.૧૩ની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર વિનોદ (કાંબલિ) શર્માને ૧૨૯૩ અને કોંગ્રેસના પ્રતાપસિંહ ઠાકુરને ૧૨૭૩ મત મળતાં ૧૯ મતના નજીવા તફાવતથી કોંગ્રેસના ઉમેદવારોનો પરાજય થતાં તેમણે રીકાઉન્ટિંગની માંગ કરી હતી. જેને લઇ ચૂંટણી અધિકારી ડી.યુ.પટેલે પુન: મતગણતરી કરાવી હતી. પરંતુ કોઇ આંકડાકીય ભૂલ નહિ જણાંતા ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર કરાયા હતા.
સત્તાના સમીકરણો બદલવા ભાજપને ૨/૩ બહુમતિ જોઇએ
વલસાડ પાલિકામાં કોંગ્રેસ અને અપક્ષોના ટેકાથી રાજુ પટેલ (મરચાં)નું શાસન પ્રવર્તી રહ્યુ છે. સત્તાના સમીકરણો બદલવા માટે ૪૨ સભ્યોમાંથી ૨/૩ બહુમતિ સિદ્ધ કરે તો જ ભાજપ પુન: સત્તા પ્રાપ્ત કરી શકે. જે એટલુ સરળ નથી. હાલમાં ભાજપ પાસે ૨૧ સભ્યો છે અjે ૨/૩ બહુમતિ માટે ૨૮ સભ્યો જરૂરી હોય ભાજપને સાત સભ્યોની આવશ્યકતા રહે. જ્યારે કોંગ્રેસમાં ચાલતી ચર્ચા મુજબ પ્રમુખ રાજુ પટેલ (મરચાં)ને કોઇ વાંધો આવે તેમ નથી.