- વાપીમાં લોકઆક્રોશથી પોલીસને પણ ભાગવું પડ્યું
- ડમ્પરની ટક્કરે રાહદારીનું મોત થતાં લોકોએ કર્યો હુમલો
- લોકોએ ડમ્પરને આગ ચાંપી ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ પર હુમલો કર્યો
વલસાડના વાપી ખાતે ગુરુવારે સવારે એક ડમ્પરની ટક્કરથી રાહદારીના મૃત્યુને પગલે સમગ્ર પંથકમાં લોકઆક્રોશ ફાટી નીકળ્યો છે. ઉશ્કેરાયેલા લોકોએ નિર્દોષ રાહદારીનો ભોગ લેનાર ડમ્પરને આગ ચાંપી હતી. આગ પર કાબૂ મેળવવા પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ પર પણ લોકોએ હુમલો કર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર વાપીના છીરી વિસ્તારમાં પૂરઝડપે પસાર થઇ રહેલા એક ડમ્પરની ટક્કરથી કામદાર એવા સ્થાનિક રહીશનું મોત નીપજ્યું હતું. આ બાબતની જાણ થતાં જ અનેક લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને આક્રોશમાં ડમ્પરને આગ ચાંપી દીધી હતી.
આ બાબતની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ફાયરફાઇટર સાથે બનાવ સ્થળે પહોંચી હતી. જો કે ઉશ્કેરાયેલા ટોળાંએ ફાયરબ્રિગેડની ટીમ પર પથ્થરમારો કરી ફાયરફાઇટરને પણ તોડી નાખ્યું હોવાનું જાણવા મળે છે.
પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પહોંચેલી પોલીસને પણ લોકોના આક્રોશનો ભોગ બનવું પડ્યું હતું. લોકોએ હુમલો કરતાં એક તબક્કે પોલીસવાળાઓ પણ મોબાઇલ વાન સાથે ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હોવાનું માધ્યમોના અહેવાલથી જાણવા મળે છે.