ચાપડવાવ ગામમાં પહોંચી આદિવાસી પરિવાર ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો
સાગબારા તાલુકાના ચાપડવાવ ગામે રહેતાં આદિવાસી પરિવારના સભ્યો પર અમાનુષી ત્રાસ ગુજારી માર મારનારા સાગબારા પોલીસમથકના એએસઆઇને જિલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કરી દેતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
સાગબારા પોલીસમથકમાં ફરજ બજાવતાં ચંદ્રકાંત તુકારામ મોરી તા.બીજી નવેમ્બર ૨૦૧૧ના રોજ ચાપડવાવ ગામે ગયાં હતાં. જ્યાં તેમણે રૂપસિંગ વસાવાને ઉંઘમાંથી જગાડી લાકડીના સપાટા મારવાનું શરૂ કરી દીધું હતું. ઘટનાના પગલે દોડી આવેલાં રૂપસિંગના ૧૬ વર્ષીય પુત્ર તથા તેના બે ભાઇઓને પણ ચંદ્રકાંતે ઢોર માર મારી ઇજાઓ પહોંચાડી હતી બાદમાં તમામને સાગબારા પોલીસ મથકના લોકઅપમાં પુરી દીધાં હતાં. બીજા દિવસે તમામને કોઇ પણ જાતની કાર્યવાહી વિના છોડી દેવામાં આવ્યાં હતાં. એએસઆઇ ચંદ્રકાંત મોરીએ કરેલા કૃત્યના પગલે સાગબારાતાલુકામાં વસતા આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી.
સાગબારાના પોલીસ કર્મચારીના અમાનુષી અત્યાચાર અંગે આદિવાસી પરિવારે ચાઇલ્ડ વેલ્ફેર કમિશન તથા નર્મદા જિલ્લા પોલીસવડા દિવ્ય મિશ્રાને ફરિયાદ કરી હતી. જેમાં તપાસના અંતે નર્મદા જિલ્લા પોલીસવડા દિવ્ય મિશ્રાએ એએસઆઇ ચંદ્રકાંત તુકારામ મોરીને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો. જિલ્લા પોલીસવડાએ ભરેલાં પગલાંના કારણે પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.