ભરૂચ જિલ્લામાં આવેલી સસ્તા અનાજની દુકાનો પર કેરોસીનનો જથ્થો નહિ મળવાના મુદ્દે ભાજપ દ્વારા લગાવવામાં આવેલાં કેન્દ્ર સરકાર વિરોધી બેનર્સથી કોંગ્રેસ સમસમી ઉઠી છે. ભાજપના કૃત્યને વખોડવા તેમજ પ્રજાને સાચી માહિતી આપવાના આશયથી બુધવારે ઝઘડિયા અને વાલિયામાં કોંગ્રસે આવેદનપત્ર પાઠવ્યાં હતાં.
સસ્તા અનાજની દુકાનો પર લગાવાયેલાં બેનર્સના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યુદ્ધના મંડાણ થઇ ચુક્યાં છે. કોંગ્રેસનો સફાયો બોલાવી દેવાની ભાજપની ચીમકી બાદ હવે કોંગ્રેસે પણ મોરચો ખોલી નાંખ્યો છે. બુધવારે ઝઘડિયા અને વાલિયામાં કોંગ્રેસે આવેદનપત્રના માધ્યમથી ભાજપના કેન્દ્ર સરકારને બદનામ કરવાના કૃત્યને વખોડી નાંખ્યું હતું.
આવેદનપત્રમાં જણાવાયું છે કે, ગુજરાતને અન્ય રાજ્યનો સરખામણીમાં સૌથી વધારે ૧૨ લીટર સરેરાશ કેરોસીન અપાઇ છે. જ્યારે ગેસ જોડાણ નહિ ધરાવતાં પરિવારોને સરેરાશ ૩૬ લીટર કેરોસીન આપવામાં આવે છે. ભાજપની એનડીએ સરકારે સત્તા પર આવતાંની સાથે કેરોસીનના ભાવમાં ધરખમ વધારો કરી દીધો હતો જેની સરખામણીમાં યુપીએ સરકારે કોઇ જ ભાવવધારો કર્યો નથી. ભાજપ દ્વારા ખોટો પ્રચાર કરી કોંગ્રેસને બદનામ કરવામાં આવી રહી છે.
ભાજપના બેનર્સ કેન્દ્ર સરકારને બદનામ કરતાં હોવાથી આવા બેનર્સને ઉતારી લેવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરાશે. કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી દલપતસિંહ વસાવા, બાલુ વસાવા, ફિરદોશ મન્સુર, નટુભાઇ પરમાર, જશવંત પરમાર, દિલીપસિંહ ચૌહાણ, ભૂપેન્દ્ર રાઉલજી, કાંતિ પરમાર, જયંતિ વસાવા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયાં હતાં.