અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બિનવારસી હાલતમાં કબજે કરેલી કાર છોડાવવા આવેલાં ભેજાબાજની આકરી પૂછપરછમાં તેણે કરોડોનું ફુલેકું ફેરવવાનું કૌભાંડ આચર્યું હોવાની કબૂલાત કરી છે.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ૨૪ જાન્યુ.એ સાંજે જૂના ને.હા.નં.૮ ભરૂચ- અંકલેશ્વર માર્ગ પરથી સ્કોપીયો કાર બીનવારસી હાલતમાં મળી આવતા કબજે કરી હતી. તપાસમાં બહુનામધારી સંદીપ સુરેશ કાંદલકર નામનો ભેજાબાજ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. જેમાં તેણે વર્ષ ૨૦૧૦માં નાસિકમાં ઓમ એન્ટરપ્રાઇસીસ નામે ગાડી ભાડે રાખવાનો ધંધો શરૂ કર્યો હતો.જેમાં ખોટ જતાં તેણે સોનું વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. જેના ભાગરૂપે તે નાસિક આર. એલ. જવેલર્સ, બાફના જવેલર્સ, પીએનજી જવેલર્સમાંથી સોનું ખરીદી ગ્રાહકોને ૪૦ ટકા ઓછા ભાવે વેચાણે આપવાની સ્કીમ મુકી હતી.
જેમાં તે તાત્કાલિક રૂપિયા લઇને એક મહિના બાદ સોનાની ડિલિવરી આપતો હતો. આ અરસામાં તેણે ઓરંગાબાદ ,વડોદરા, નાસિકામાં વિવિધ દુકાનો ખોલી હતી. નાસિકમાં તેણે ગ્રાહકોના ૧.૬૮ કરોડ તેમજ સોનું લઇને ત્યાંથી ફુલેકું ફેરવી બાળકો અને આરતી પાટીલ સાથે કારમાં નાસિકથી રફુચક્કર થઇ ગયો હતો.
દરમિયાન જયપુર ગયાં બાદ પરત આવતી વેળાં તેમની કાર પોલીસે કબજે કરી હોવાની માહિતી મળતાં અંંકલેશ્વર આવી પહોંચ્યો હતો. જ્યાં પોલીસની તલાસીમાં તેની પાસે એકથી વધુ ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ પાનકાર્ડ મળી આવતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.
મુંબઇમાં ૩૦ કરોડની છેતરપિંડી
વર્ષ ૨૦૦પથી ૨૦૦૬ના વર્ષ દરમિયાન તેણે બાંદ્રા -અંધેરીમાં ઓમ નિત્યાનંદ એન્ટરપ્રાઇઝ નામથી લોભામણી સ્કીમો ચલાવતો હતો. જેમાં તેની સાથેના અરૂણ શેટ્ટી, ગણેશ શેટ્ટી, શ્રીકાંત મુજારા તેમજ વીણાએ ૩૦ કરોડનું કૌભાંડ આચર્યું હતું.
સુરત અને અમદાવાદમાં પણ કરોડોની ઠગાઇ
સુરતના ગોલ્ડન પોઇન્ટ શોપિંગ સેન્ટરમાં ગ્લોબલ ટ્રેડર્સ નામની દુકાન ખોલી ૩૦ લાખનો નફો લઇ નાસી છુટયો હતો.વર્ષ ૨૦૦૭થી ૨૦૦૯ સુધી સુરતની ઓફિસમાં પ્રકાશ કટારિયા તેમજ નીતિન કટારિયા નામના બે શખ્સોને રાખ્યા હતાં. અમદાવામાં એસ. જે હાઇવે ઉપર ગ્લોબલ ટ્રેડર્સના નામની સ્કીમ ચાલુ કરી હતી. જ્યાં તેણે સંજય, રાજુ નાયક તેમજ રવિ નામના શખ્સોને રાખ્યા હતાં.