વલસાડ જિલ્લા પંચાયત દ્વારા ફિમેલ હેલ્થ વર્કર તરીકે આરોગ્ય શાખામાં સ્ત્રી આરોગ્ય કાર્યકરની તાલીમ દોઢ વર્ષની લીધા બાદ ઇન્ટરવ્યું અને મેરીટના ધોરણે ફિકસ પગારની નોકરી ઉપર નિમણુંક આપવામાં આવી હતી. જોકે, છેલ્લા આઠ વર્ષથી આ જગ્યા ઉપર ફરજ બજાવતા ૧૦૪ વર્કરને છુટા કરી દેવાયા હતાં.જેના પગલે છુટા કરાયેલા ફિમેલ હેલ્થ વર્કરોની દશા બદત્તર બની રહેવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સરકારના સંદર્ભમાં જણાવેલ પત્ર અને ઠરાવની મુજબ સ્ત્રી આરોગ્ય કાર્યકર જગ્યાઓ ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ દ્વારા ઉભી કરીને આરોગ્ય પરિવાર કલ્યાણ હસ્તક મૂકવામાં આવી હતી. જેમાં ૧૧ માસ કરાર આધારિત ફિકસ પગાર સાથે પાંચ વર્ષ પૂર્ણ કર્યા બાદ ૩૦૫૦-૪૫૯૦ના પગાર ધોરણ ચૂકવાય છે.
પંચાયત સેવાઓની પસંદગીની પ્રક્રિયાની કાર્યવાહી વિકાસ કમિશનર અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના પરામર્શમાં રહી જિલ્લા પંચાયત તરફથી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને કાયમી કરવામાં દરખાસ્ત મોકલવાની થાય છે. જિલ્લા પંચાયત દ્વારા ઉપરોક્ત કાર્યવાહી ન કરાતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના હાલના પરિપત્રમાં જણાવ્યા મુજબ ભરતીની પરીક્ષામાં તેઓ તમામને બેસાડી દેવાતાં તેઓને નોકરી ગુમાવી બેકાર બનવાનો વારો આવ્યો છે.