‘ગાજ્યા મેઘ વરસે નહીં’ એ ઉક્તિ આજે સાચી પડી હતી. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાના સંબંધિત તમામ વિભાગોને સાબદા રખાયા હતા. જોકે આજે દિવસ દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં નહીંવત વરસાદ નોંધાતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. આજે નવસારી જિલ્લામાં સરેરાશ ૬ મિ.મિ. જેટલો જ વરસાદ નોંધાયો હતો.
આ અંગે ફ્લડ કંટ્રોલમાંથી મળતી વિગતો અનુસાર મંગળવારના રાત્રિએ જિલ્લામાં સરેરાશ ૧૬ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. ગત રાત્રિએ ગણદેવી તાલુકામાં સૌથી વધુ ૨૯ મિ.મિ. એટલે કે એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
આજે દિવસ દરમિયાન સૌથી વધુ વરસાદ ગણદેવી તાલુકામાં ૯ મિ.મિ. નોંધાયો હતો. જ્યારે સૌથી વરસાદ જલાલપોર તાલુકામાં ૪ મિ.મિ. નોંધાયો હતો. આજે સાંજ સુધીમાં ખૂબ સાધારણ વરસાદ થયો હતો. દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન નોંધાતા વહીવટીતંત્રએ રાહતનો દમ લીધો હતો. જો કે આજે આખો દિવસ ભારે પવન ફૂંકાયો હતો.