- વેપારીઓ-એજન્ટોને સૂચના જો કોઈ વધુ દામ વસૂલતા ઝડપાશે તો કડક પગલાં
કાંદાના ભાવોને કાબુમાં લેવા કલેક્ટર અને પુરવઠા અધિકારીઓએ છેવટે સરવે અને દરોડાનો દૌર શરૂ કર્યો છે. માર્કેટમાંથી કાંદાનો ખરો ભાવ તારવવા પુરવઠાની એન્ફ્રોશમેન્ટ બ્રાન્ચની ૧૪ ટીમો ગુરુવારે આખું શહેર ખુંદી વળી હતી. ઉપરાંત હોલસેલના વેપારીઓથી માંડીને છુટક વિક્રેતા અને કમિશન એજન્ટને કડક સૂચના આપવામાં આવી હતી. તેઓ દ્વારા જો કાંદાની કૃત્રિમ અછત કે પછી વધુ પડતાં દામ વસૂલાશે તો પુરવઠા ખાતું કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.
પુરવઠા વિભાગના ૨૮ ઇન્સપેક્ટરોએ ૧૪ ટીમ બનાવી શહેરનાં વિક્રેતાઓને ત્યાં ખાબક્યા હતાં. ગ્રાહકના સ્વાંગમાં જ ગયેલી આ ટીમોએ ઝોનવાઇઝ સરવે કર્યો હતો. તે સિવાય એપીએમસી માર્કેટમાં પણ એન્ફ્રોસમેન્ટ બ્રાન્ચની ટીમોએ સરવે કરીને કમિશન એજન્ટોના નફાની તપાસ કરી હતી.
૨૦૦ છુટક વિક્રેતાઓ અને ૨૫ કમિશન એજન્ટોને ભાવ નિયંત્રણમાં રાખવા સૂચના આપવામાં આવી છે. મહારાષ્ટ્રથી એપીએમસી માર્કેટમાં ૩,૪૫૦ બોરી ભરીને કાંદાનો જથ્થો આવી પહોંચ્યો છે ત્યારે કાંદાના ભાવ વધુ ઉંચકાવાની કોઈ શક્યતા નહિ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળે છે.
- એપીએમસીમાં વચેટિયાઓ ગાયબ
‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ છપાતાં તંત્ર હરક્તમાં આવ્યુ હતું. ગુરુવારે એપીએમસી માર્કેટ ખાતે વચેટિયાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ઘણાનો શાકભાજીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. કાંદાના કિલોના ભાવ R ૨૫થી ૩૦ થઈ ગયા હતા. જ્યારે છુટક ભાવ R ૫૦થી ૬૦ થઈ ગયા હતા. ટામેટાંના ભાવ પણ ૧૫થી ૨૫ જેટલા રહ્યા હતા અને છુટકમાં R ૪૦થી ૫૦ જોવા મળ્યા.ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવ મળી રહે અને વજનમાં છેતરપિંડી ન થાય તે જોવાની જવાબદારી માર્કેટની સમિતિની છે. જો કોઇ ખેડૂત બારોબાર કોઇને શાકભાજી વેચવા રાજી થાય તો તેમાં સમિતિ કંઇ કરી શકે નહીં. -રમણભાઇ અંબેલાલ, ઉપપ્રમુખ, એપીએમસી માર્કેટ