બપોરે ૨.૩૦ વાગ્યે સ્ટાર્સ આવવાના હતાં, પરંતુ તે બે કલાક મોડા પડતા લગભગ ૪.૨૦ કલાકે હોટલ પહોંચ્યા હતાં. ત્યારે ઉત્સાહિત ચાહકો હોટલની અંદર પ્રવેશી ગયા હતાં. તે સમયે કેટરિના કૈફ લિફ્ટ સુધી પહોંચી ત્યારબાદ ઋત્વિકની એન્ટ્રી થતાં જ યુવતીઓ બેકાબૂ બની હતી.
કેટરિનાને ન મળી શકતાં વિદ્યાર્થિની રડી પડી
તમામ ચાહકોએ ઋત્વિકને ઘેરી લીધો હતો. જેના કારણે ધક્કામુક્કી વધી ગઈ હતી. આ સમયે સ્થિતિ સાચવવાના બદલે સિકયુરિટી સ્ટાફે આડેધડ હાથ ઉગામતાં ચાહકો પડી ગયા હતાં. આ ધક્કામુક્કીમાં કેટરિના કૈફને ન મળી શકનાર તેની પ્રશંસક ડીપીએસ શાળાની વિદ્યાર્થીની પ્રજ્ઞા અગ્રવાલ રડી પડી હતી.
કેટરિનાએ એકેય શબ્દ ન ઉચ્ચારતાં ચાહકો નિરાશ
સાંજે ૪.૨૦ કલાકે હોટલ પર પહોંચ્યા બાદ ૫.૧૫ કલાકે તમામ સ્ટાર્સ પત્રકારો સાથે રૂબરૂ થયા હતાં. ફરહાન અખ્તરે આખુય યુનિટ પ્રમોશન માટે મુંબઈથી બાયરોડ નીકળ્યું છે અને દિલ્હી પહોંચશે તેવી માહિતી આપી હતી. કેટરિના અને અભય દેઓલે ચૂપકીદી સાધી રાખી હતી. એકમાત્ર ઋત્વિક રોશને ચાલતાં ચાલતાં ચાહકો અને મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરી ઓટોગ્રાફ આપ્યા હતા.
ઋત્વિકને ભાવી સુરતી કઢી
‘સુરત ઇઝ કૂલ એન્ડ સુરતી ફૂડ ઇઝ ફેન્ટાસ્ટિક’ એક ફિલ્મના પ્રમોશન માટે સુરત પધારેલા બોલીવુડ સ્ટાર ઋત્વિક રોશને સુરતી ફૂડનો સ્વાદ માણતાં આવું જ કહ્યું હતું. ઋત્વિકે સુરતી ખીચડી-કઢી આરોગી અને કઢીનો સ્વાદ તો તેની દાઢે વળગી ગયો. શેફ પણ ઋત્વિકને ખીચડી-કઢી ખવડાવી ખુશ થઈ ગયા. ઋત્વિકને કઈ સુરતી વાનગી પસંદ આવી તે જાણવા ગેટવે હોટલના એક્ઝિકયુટિવ સોસ શેફ પંકજ ઝાને પૂછતાં તેમણે કહ્યું કે ઋત્વિક રોશને ઢોકળાં-પાતરાં અને કઢી-ખીચડી આરોગી હતી. ઋત્વિકને કઢી ખૂબ પસંદ પડી હતી.
આ જ ફૂડ કેટરિના સહિત અન્ય સ્ટાર્સને પણ પીરસવામાં આવ્યું હતું. જોકે, ઋત્વિકનો રિસ્પોન્સ સારો આવ્યો હતો. ખાવાના શોખીન ઋત્વિકે જાફરાની રબડી-જલેબીની મીઠાશના પણ વખાણ કર્યા હતા, એમ ઝાએ ઉમેર્યું હતું. ઝાએ વધુમાં કહ્યું કે ગુજરાતી વાનગી ઉપરાંત સલાડ, સૂપ, ચાઇનીઝ, થાઈ, ઇટાલિયન, ગ્રિલ ચીકન, રસમલાઈ પણ તમામ સ્ટાર્સને પીરસવામાં આવ્યા હતા. ઋત્વિકને અમારી વાનગી પસંદ પડી તેથી હું ખુબ આનંદિત છું.