- લક્ઝરી અને સરકારી બસની ફિલ્મ કોણ ઉતારશે?
સુરત પોલીસ આમેય હેલમેટ કે અન્ય ટ્રાફિક સંબધી નિયમોના ભંગ કરવા બદલ લોકોને દંડતી આવી છે, હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગાડીઓ પરથી ડાર્ક ફિલ્મ ઉતારવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જો કે, તેમાં પણ સામાન્ય પ્રજા જ પોલીસનું નિશાન બની રહી છે. સિટી બસ, લક્ઝરી બસ અને એસટી બસ પર લાગેલા કાળા કાચ દૂર કરવાની કોઇને પડી નથી. આખા દેશને હલાવી નાંખનારી દિલ્હી ગેંગરેપની ઘટના બસમાં જ આકાર પામી હતી. તેમ છતાં હજી લક્ઝરીથી માંડીને સિટી કે એસટી બસના કાળા કાચ પર તંત્રનું ધ્યાન ગયું નથી
સુવિધા અને સુરક્ષામાં કોઈ એક પથ પર ચાલવાનું કહેવાય તો સ્વભાવિક રીતે લોકો સુરક્ષિત પથ પર જ ચાલવાનું પસંદ કરે. સુપ્રિમ કોર્ટના વાહનો પરથી ડાર્ક ફિલ્મ ઉતારવાના આદેશ બાબતે પણ કંઈક આવું જ છે. લોકો તડકાથી બચવા માટે ડાર્ક ફિલ્મ લગાવતા હોય છે. પરંતુ આ રાહત હવે છોડવાનો સમય આવી ગયો છે. પોલીસે પણ ફોર-વ્હીલર પરથી ડાર્ક ફિલ્મ દુર કરવાની તજવીજ કયારનીય શરૂ કરી દીધી છે. જો કે, નવાઈની વાત એ છે કે આ દિશામાં માત્ર કાર લઈને જતાં સામાન્ય લોકો જ નિશાન બની રહ્યા હોય એમ લાગી રહ્યું છે.
સુરતના રસ્તા પર દોડતી ફોર વ્હીલને અટકાવી-અટકાવીને દંડ વસુલવામાં આવી રહ્યો છે. પરંતુ આ જ નિયમ જેને લાગે છે તેવા ધંધાદારી વાહનો તરફ પોલીસ હજી મીઠી જ નજરે જોઈ રહી હોય એમ લાગી રહ્યું છે. શહેરના રસ્તા પર સિટી બસ, એસટી અને લક્ઝરી બસ દોડતી હોય છે. પરંતુ હજી સુધી પોલીસે આ દિશામાં કોઈ કડક કાર્યવાહી હાથ ધરી હોય એમ જણાતું નથી. સિટી બસ, એસટી બસ અને લક્ઝરી બસ સંચાલકો કાળા કાચ બાબતે પોત-પોતાના જ તર્ક રજૂ કરી રહ્યા છે, જ્યારે પોલીસ આ બાબતે એકશન લેવાની વાત કરી રહી છે પણ કામની દિશામાં આગળ વધી નથી. દિલ્હી ગેંગરેપની ઘટના આપણને અનેક બોધપાઠ આપી ગઈ છે, મોટા ઉપાડે તેમાંથી કેટલોક બોધપાઠ પણ મેળવાશે પણ તે સમય પૂરતો. હકીકતમાં અનેક પ્રશ્નોનું કે નિયમોના ઉલ્લધનનું કાયમી સોલ્યુશન જરૂરી છે.
- કાળા કાચ નહીં ચાલે
સુપ્રિમ કોર્ટનો આદેશ છે અને આ આદેશને નજરઅંદા ન કરી શકાય. દરેક વાહન પરથી ડાર્ક ફિલ્મ દુર કરવી જ પડે. જો કે, સુરક્ષાને ધ્યાનમાં લઈને કેટલાક લોકોને આમાંથી છુટછાટ આપવામાં આવી છે. પરંતુ સામાન્ય વાહનો પર તો ટ્રાન્સપરન્ટ કાચ જ હોવા જોઈએ.
- નયન સુખડવાલા, મુખ્ય સરકારી વકીલ