- 24 કલાકથી વધુની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો
- ત્રણ મૃતક પૈકી બેની ઓળખ થઈ, ત્રીજાની ઓળખ કરવાની બાકી
હજીરાના કવાસમાં આવેલા ઈન્ડિયન ઓઈલના સ્ટોરેજ ડેપોમાં શનિવારે વિકરાળ આગ ફાટી નીકળી હતી. જેમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં છે તેમજ બે વ્યક્તિ લાપતાં થયા હોવાના અહેવાલ છે. આગની ઘટનાને પગલે રવિવારે સવારે પેટ્રોલિયમ પ્રધાન વિરપ્પા મોઈલીએ હજીરના IOC પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
વિરપ્પા મોઈલીએ જણાવ્યું હતું કે ભયાવહ આગને લીધે ટેન્ક નંબર 4માં સંપૂર્ણ બળીને ખાખ થઈ છે. જેમાં 35 કરોડનું પેટ્રોલ અને 10 કરોડનું ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકશાન થયું છે. આમ આ આગમાં કુલ 45 કરોડનું નુકશાન થયું હોવાનું કેન્દ્રિય પેટ્રોલ મંત્રી વિરપ્પા મોઈલીએ જણાવ્યું હતું. બાકીની ટેન્ક સલામત હોવાનું તેમણે જણાવ્યું હતું.
મૃતકની ઓળખ થયેલા પૈકી એકનું નામ જલંધર ચૌધરી છે જે બિહારના રહેવાસી છે તેમજ બીજાનું મામ રાહુલ પ્રસાદ છે જે ઓડિસાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. ત્રીજા વ્યક્તિનો મૃતદેહ આજે બપોરે મળી આવ્યો હતો. સુરત જિલ્લા કલેક્ટર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, મૃતકની ઓળખ કરવામાં આવી રહી છે. તેમજ આગમાં ભડથું થઈ ગયેલા ત્રણેય કાયમી કર્મચારી ન હતાં તેઓ કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા હતાં.
મોઈલીએ વધુમાં જણાવ્યું હતું કે આગ પર કાબુ મેળવવા માટે 73થી વધુ ફાયર ફાયટરો કામે લાગ્યાં હતાં.
આગમાં મૃત્યુ પામેલાના પરિવાર માટે કેન્દ્ર તરફથી પાંચ-પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે.
વિરપ્પા મોઈલીએ વધુમાં જણાવ્યું હતું કે પખવાડિયામાં તપાસનો રિપોર્ટ તૈયાર કરવા આદેશ અપાયો છે. તેમજ ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ બનાવવામાં આવી છે જે આ ઘટનાનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરશે ત્યારબાદ જ આગના કારણ અંગે ખ્યાલ આવી શકે તેમ હોવાનું મોઈલીએ જણાવ્યું હતું.