અડાજણના પાલ જકાતનાકા પાસે રહેતા એક પટેલ પરિવારની ૨૦ વર્ષીય યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતુ. સિવિલ હોસ્પિટલમાં તેની લાશનું પોસ્ટમોર્ટમ કરાતા તેના પેટમાં સાડા ચાર માસનો બેબી ગર્લનો ગર્ભ હતો. આપઘાત કરનાર યુવતી અસ્થિર મગજની હોવાનું પરિવારજનો કહે છે. જેના કારણે તેણી ઘરેથી ગમે ત્યારે ચાલી જતી હતી.
પંકજ નગર સોસાયટીમાં રહેતાં અમ્રતભાઈ પટેલ કડિયા કામ કરે છે. તેને સંતાનમાં ત્રણ દિકરીઓ અને બે પુત્રો છે. તેમની બે મોટી પુત્રીઓના લગ્ન થઈ ગયા હતા. જ્યારે ચોથા નંબરની દિકરી ૨૦ વર્ષીય રેખાના લગ્ન થયા ન હતા. શુક્રવારના રોજ તેની માતા સુકવેલા કપડાં લેવા માટે ચાર વાગ્યાના અરસામાં અગાસી પર ગઈ હતી અને ઘરે કોઈ ન હોવાથી રેખાએ રસોડામાં લોખંડના એંગલે સાથે દૂપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આપઘાત પાછળ રહસ્ય
અડાજણના હેડ કોન્સ્ટેબલ ગોવિંદ બુધિયાભાઈના જણાવ્યા મુજબ ‘રેખા ગર્ભવતી છે તે પરિવારજનો ખરેખર જાણતા ન હતા કે પછી પોલીસથી છુપાવી રહ્યાં છે તે અંગે તપાસ હાથ ધરાશે.’