અમરનાં મુબંઈ સ્થિત સાસુ-મામાએ રાજીવની હત્યા બાદ મેહુલ, અમર અને હિરેનને આશરો આપ્યો હતો
ફાઇનાન્સર રાજીવ શાહની હત્યા બાદ આ કેસના મુખ્ય આરોપી અમર ઠક્કર, મેહુલ લાખાણી અને હિરેન કાકડિયાને મુબંઈમાં આસરો આપનાર અમર ઠક્કરના સાસુ અને મામા હવે ગુજરાતની હદ છોડી શકશે.
ઉલ્લેખનીય છે કે આરોપી અમર ઠકકરના સાસુ રસીલાબહેન અને મામા મનીષ ચુનીલાલ પારવાની આ કેસમાં જામીન પર છુટેલા છે પરંતુ જામીનની શરતો મુજબ જ્યાં સુધી આ કેસનું ચાર્જશીટ ન થાય ત્યાં સુધી તેઓ ગુજરાતની હદ છોડી શકે નહીં તેવો કોર્ટનો હુકમ હતો.
રાજીવ હત્યાકેસમાં આ બંને આરોપીઓની તા. ૨૭-૧૦-૦૯ના રોજ અટક કરાઈ હતી અને તા. ૨૮મીએ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતાં. સેશન્સ જજ બી. એસ. ઉપાધ્યાયે તેમના રેગ્યુલર જામીન મંજુર કરી એવી શરત મૂકી હતી કે ‘ આ કેસમાં ગુનાનું ચાર્જશીટ ન થાય ત્યાં સુધી બંને આરોપીઓએ ગુજરાત રાજ્યની હદ આ અદાલતની પરવાનગી વિના છોડવી નહી અને એસીપીની મંજુરીથી જરૂરિયાતના પ્રસંગે તેઓ જણાવે તેટલા સમય પુરુતું ગુજરાતની હદ છોડી શકશે અને જ્યાં રહેવાના હોય તેનું પુરું નામ-સરનામું પોલીસને આપવું.’
બુધવાર આ બંને આરોપીઓએ સેશન્સ જજ શ્રીમતી પી. બી. સિંઘની કોર્ટમાં અરજી કરી હતી કે ગુનાનું ચાર્જશીટ ચીફ કોર્ટમાં થઈ ગયું છે અને કેસ અત્રેની કોર્ટમાં પેન્ડિંગ છે તો કાયમી ધોરણે ગુજરાતની હદ છોડવા માટે પરવાનગી આપવા અરજ છે. કેમ કે અમે મુળ મુબંઈમાં સ્થાયી થયા હોવાથી અનેક પ્રસંગોમાં અમારી હાજરી આવશ્યક બની રહે છે. માટે હુકમમાં ‘ગુજરાતને બદલે ભારતની હદ ન છોડવી’ તેવો સુધારો કરવા પણ તેઓએ જણાવ્યું હતું. જોકે કોર્ટે તેમની અરજી રદ કરી હતી.
સદર અરજી રદ કરવાના કારણમાં કોર્ટે જણાવ્યું હતું કે આ ગુનામાં ચાર્જશીટ થઈ ગઈ હોવાથી તે શરતનો અમલ ચાર્જશીટ થયા બાદ રહેતો નથી. તે સંજોગોમાં તે શરતને રદ કરવાનો કે તે શરતમાં કોઈ ફેરફાર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો નથી. માટે અરજી મંજુર કરી શકાય નહીં.આમ, આ હુકમનો સામાન્ય અર્થ થાય કે અરજદારો ચાર્જશીટ થઈ ચૂક્યું હોવાથી ગુજરાતની હદ છોડી શકશેઅને તે માટે કોઈ નવી અરજી કરવાની તેમને જરૂર રહેતી નથી.