ભરવાડ વાસમાં રેડ પાડી કામરેજ પીઆઈ અને ડી સ્ટાફે કુલ ૫૨૨ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો
કામરેજ ચાર રસ્તા પાસે ભરવાડ વાસમાં શુક્રવારના રોજ રેંજ આઈજીની બાતમીના આધારે કામરેજ પોલીસે પાનના ગલ્લા પાસે ૫૨૨ ગ્રામ ગાંજા સાથે બે મહિલાને પકડી પાડી હતી.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રેંજ આઈજી હસમુખ પટેલને શુક્રવારના રોજ કામરેજ ચાર રસ્તા પાસે ભરવાડ વાસમાં જતા પહેલા નીતુ ગોસ્વામી નામની મહિલા પાનનો ગલ્લો ચલાવે છે. જે સવારથી સાંજ સુધી ગાંજાનુ વેચાણ કરે છે, તેવી બાતમી મળતા કામરેજ પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે આ બાતમીના આધારે કામરેજના પીઆઈ એમ.એ.વાળા તથા ડી સ્ટાફ સાથે કામરેજ ચાર રસ્તા ભરવાડ વાસ પાસે જુના નેશનલ હાઇવે નં. ૮ તરફ જતા રોડ પર પાનનો ગલ્લો ચલાવતી મહિલા નંદાબેન રમણગીરી ગોસ્વામી (રહે ખોલવડ, ભરવાડ વાસ) પાસેથી ૩૬૨ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો તથા જુલેખા ઉર્ફે નીતા રફીકભાઈ પઠાણ (રહે ખોલવડ, રહેમાન નગર, મકાન નં. ૧૨૩) પાનના ગલ્લા પાછળ આવેલ ખોલીમાંથી ૧૬૦ ગ્રામ ગાંજા (કિમત ૧૬૦૦ રૂપિયા) મળી આવતા પોલીસે બંને મહિલાની ધરપકડ કરી હતી. આ અંગે કામરેજ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.