DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City >> Tushar Chaudhry Became God Father Loss Home Ground
તુષાર ચૌધરીએ ‘મોટા ભા’ બનવામાં ‘ઘરનું ઘર’ ગુમાવ્યું
Bhaskar News, Surat
| Dec 21, 2012, 05:19AM IST

આદિવાસી વિસ્તારમાંથી પગ ફેલાવીને શહેર અને રાજ્યના મોટા નેતા બનવાની ગણતરીમાં સુરત જિલ્લાનો આદિવાસી વિસ્તારનો ગઢ ગુમાવ્યો
તુષાર ચૌધરીની ભલામણથી પસંદ કરાયેલાં મોટાભાગના ઉમેદવારો અત્યંત ખરાબ રીતે પછડાયા
દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર પાછળ કોંગ્રેસનું અપરિપક્વ રાજકારણ પણ મોટું કારણ બનીને સામે આવ્યું છે. કોંગ્રેસ અત્યારસુધી સાલિયાણું ભોગવતા હોય તેવા નેતાઓની ભલામણો પ્રમાણે ઉમેદવાર મૂકતી હતી. આ વખતે તેના બદલે નવા યુવા નેતાએ ચીંધેલી આંગળી પ્રમાણે ઉમેદવારોને પસંદ કર્યા હતાં. તેમાં કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરીની ભલામણો મુખ્ય હતી તેવું કોંગ્રેસના નેતાઓનું કહેવું હતું.
કોંગ્રેસે સુરત શહેરની બાર બેઠકોમાં એક પણ બેઠક નથી મેળવી. જોકે, તેમાં કંઈ હતું નહીં એટલે કંઈ ગુમાવવા જેવું નથી. જોકે, સુરત અને તાપી જિલ્લાની આદિવાસી વિસ્તારની બેઠકો જે વર્ષોથી કોંગ્રેસ પાસે હતી તે પણ મોટાભાગની ભાજપે ખૂંચવી લીધી છે. એટલે, હવે લોકોને ઘરનું ઘર આપવા માગતા આદિવાસી નેતા તુષાર ચૌધરીએ પોતાના આદિવાસી મત વિસ્તારનો ગઢ ગુમાવી દેવો પડયો છે.
માંગરોળમાં પોતાના ભાઈ તેજસ ચૌધરી, બારડોલીમાં કુંવરજી હળપતિ સાથે સંઘર્ષ, મહુવાની બેઠક ઉપર પડદા પાછળની રમત સુધી તેમનું આદિવાસી વિસ્તારનું રાજકારણ હતું. જોકે, તેમના ઇશારે સુરત શહેરમાં પણ મોટાભાગની બેઠકો ઉપરના ઉમેદવારોની પસંદગી કરાઈ. તેમાં હકીકત એવી નોંધાઈ હતી કે, કોંગ્રેસની મૂળ વિચારધારાને અપનાવીને ઘડાયેલા હોય તેવા ઉમેદવારોને બદલે આયાતી અને છેલ્લી ઘડીએ પસંદ કરાયેલા મૂરતિયાઓને પસંદ કર્યા હતાં. એટલે, કોંગ્રેસે પોતાની આદિવાસી બેઠકોની મુદ્દલ હતી તે પણ ગુમાવવી પડી છે.
કેન્દ્રીય મંત્રીએ આદિવાસી નેતા તરીકે પોતાનો કિલ્લો મજબૂત કરવાને બદલે ગામ મજબૂત કરવાની થાપ ખાધી હોય તેવું ચિત્ર બન્યું છે. આને લીધે હવે તેમણે લોકસભાની ચૂંટણીમાં લોઢાના ચણા ચાવવા પડે તેવું અત્યારથી જ દેખાવા માંડ્યું છે.
તુષાર ચૌધરી માટે બારડોલી લોકસભા બેઠક હવે જોખમી
બારડોલી લોકસભાની બેઠકમાં નિઝર, વ્યારા, માંડવી, માંગરોળ, બારડોલી, મહુવા, કામરેજ વિધાનસભા બેઠકો આવે છે. તેમાં હવે વ્યારા અને માંડવી બે બેઠકો જ કોંગ્રેસના હિસ્સામાં રહી છે. તેમાં પણ ખાસ હરખાવા જેવું નથી. તદુપરાંત મોટા નેતા બનવાની લ્હાયમાં કોંગ્રેસના આદિવાસી નેતાઓ સાથેનું રાજકારણ પણ હવે તેમને લોકસભાની ચૂંટણીમાં પરસેવો પડાવે તેવું છે. એટલે, 'મોટા ભા’ બનવાની હોંશમાં 'ઘરનું ઘર’ પણ ગુમાવવું પડયુ છે.





