કારમાં બેસાડી ચાર યુવાને મોબાઈલ, ૧૪ હજાર રોકડા લૂંટી લઇ નવસારી જતાં યુવાનને ચલથાણ પોલીસ સ્ટેશન નજીક જ ઉતારી ગયાં
નવસારી જિલ્લાના વાંકલ ગામના મોખલા ફિળયામાં રહેતો યુવાન પલસાણા તાલુકાના વરેલી ગામે આવેલી સંસ્કાર મિલમાં ઇલેકટ્રીશિયનનું કામ કરે છે. આ યુવાન ગતરોજ રાત્રે મિલમાંથી પગાર લઇને ઘરે જતો હતો, ત્યારે લિફ્ટ આપવાના બહાને કડોદરાથી ચાર અજાણ્યા ઇસમોએ તેને કારમાં બેસાડયો હતો. ત્યારે બાદ યુવાનને ચપ્પુ બતાવી તેની પાસેથી R ૧૪ હજાર રોકડા, એક મોબાઇલ ફોન અને એક ઘડિયાળ મળી કુલ ૧પ હજારની મતાની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ આ અજાણ્યા ચાર ઇસમોએ યુવકને R ૫૦૦ પરત આપી ચલથાણ પોલીસ મથક પાસે જ ઉતારી ફરાર થઈ ગયા હતા.
નવસારી જિલ્લાના વાંકલ ગામના મોખલા ફિળયામાં રહેતા દીપકભાઇ નરસિંહભાઇ કોળી પટેલ પલસાણા તાલુકાના વરેલી ગામે આવેલી સંસ્કાર ડાઇંગ પ્રિન્ટિંગ મિલના મેઇન્ટેનન્સ વિભાગમાં ઇલેકટ્રીશિયન તરીકે કામ કરે છે. તે તા.૧૦મી ફેબ્રુઆરીના રોજ નિયત સમયે સવારે નોકરીએ આવ્યા હતા. સાંજે મિલમાંથી પગારના ૧૪ હજાર રોકડા રૂપિયા લઇને ચાલતા ચાલતા કડોદરા જવા નીકળ્યો હતો અને કડોદરાથી નવસારી તરફ જવા માટે ઓવરબ્રિજના છેડા ઉપર ઊભો હતો.
આ દરમિયાન રાત્રે ૮.૦૦ કલાકે ગ્રે રંગની જૂના મોડેલની ફોર વ્હીલ કાર આવી હતી, તેમાં બે વ્યક્તિ આગળની સીટ ઉપર બેઠા હતા. તેમણે ચીખલી, મુંબઇ તરફ જવા માટેના પેસેન્જરો બેસાડવાની તૈયારી બતાવી હતી. R ૨૦ ભાડુ નક્કી કરી દીપકભાઇને કારમાં બેસાડી દીધા હતા. ત્યારબાદ કાર આગળ જતાં નિલમ હોટલ પરથી અન્ય એક વ્યક્તિને કારમાં બેસાડયો હતો અને થોડે દૂર આગળથી વધુ એક ઇસમ ગાડીમાં બેસી ગયો હતો. આ ૨પથી ૩૦ વર્ષની વયના ચારે વ્યક્તિ ગુજરાતી બોલતા હતા.
કાર આગળ જતાં સાડા આઠ કલાકની આસપાસ હાઇવે ઉપર ચાલુ કારે ચપ્પુ ટેક્વીને તારી પાસે જે કંઇ હોય તે આપી દે, એમ કહી પગારના R ૧૪ હજાર રોકડા, મોબાઇલ ફોન અને કાંડા ઘડિયાળ મળી કુલ ૧પ હજારની મતા લૂંટી લીધી હતી. ત્યારબાદ આ ચાર લૂંટારુઓએ કાર ચલથાણ પોલીસ સ્ટેશન પાસે ઊભી રાખી હતી અને દીપકભાઇને R ૫૦૦ પરત આપ્યા હતા અને ઉતારીને તેઓ ફરાર થઈ ગયાં હતા.
..ને દીપકભાઇ દોડતા દોડતા પોલીસ મથકે પહોંચ્યા
નેશનલ હાઇવે નંબર આઠ ઉપર બનેલી લૂંટની આ ઘટનામાં એક બાબત સામે આવી કે આ ચાર લૂંટારુઓએ ચપ્પુની અણીએ ૧૪ હજાર રોકડા સહિત ૧પ હજારની મતા તો લૂંટી લીધી પરંતુ કારને ચલથાણ પોલીસ સ્ટેશન પાસે ઊભી રાખી દીપકભાઇને નીચે ઉતારી ફરાર થઈ ગયાં હતા. ત્યારબાદ દીપકભાઇ દોડતા દોડતા પોલીસ મથકે પહોંચ્યા હતાં.
હાઇવે ઉપર પોલીસનું કોમ્બિંગ પણ...
આ લૂંટની ઘટના બાદ કડોદરા પોલીસે નેશનલ હાઇવે નંબર આઠ ઉપર કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ ઘટનામાં દીપકભાઇ કારનો નંબર તો પૂરેપૂરો જોઇ શક્યા ન હતા, પરંતુ એમએચ ૦૨ નંબર વાંચી શક્યાં હતા. આ ઉપરાંત લૂંટારુઓ R પ૦૦ પરત આપી જવાની ઘટના અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.