સુરત રફ ડાયમંડ સોર્સિંગ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ૧૧ ફેબ્રુઆરીને શનિવારે ૩.૧૧ લાખના રફ હીરાનું ઓકશન હાથ ધરવામાં આવશે. આ વખતે ઓનલાઇન ઓકશનને બદલે ટેન્ડર દ્વારા ઓકશન રાખવામાં આવ્યું છે.
એસઆરડીએસએલના પ્રવકતા ચંદ્રકાંતભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, કંપનીએ પહેલી વખત રફ ડાયમંડનું ઓનલાઇન ઓકશન રાખ્યું હતું. પણ બીજું ઓકશન જે શનિવારે યોજાવાનું છે તે ટેન્ડર સીસ્ટમથી રાખવામાં આવ્યું છે. વિશ્વની જુદી જુદી ખાણમાંથી નીકળેલા ૩. ૧૧ લાખ કેરેટના હીરાનું ટેન્ડિંરગ થવાનું છે. ટેન્ડરિંગમાં કુલ ૩૩ લોટ મૂકવામાં આવ્યા છે. જેના ટેન્ડર એ. કે. રોડ પર આવેલી બ્લુ સ્ટાર ડાયમંડમાં બપોરે ૧૨.૦૦ વાગે ઓપન કરાશે.
જે લોકો ટેન્ડિંરગમાં ભાગ લેવાના છે તેમના માટે ૧૦ ફેબ્રુઆરી સુધી રફનું નિર્દશન રાખવામાં આવ્યું હતું. શુક્રવાર સુધીમાં ૪૦ લોકોએ બીડ ભરી હતી. સંઘવીએ જણાવ્યું હતું કે સુરતમાં નાના કારખાનેદારોને ધ્યાનમાં રાખીને ઓછી વેલ્યુવાળા હીરા જ ટેન્ડર માટે મુકાયા છે. કુલ રફ હીરાની વેલ્યુ ૫૦ કરોડ થી પણ ઓછી હશે.